સુરતઃ કુદરતના ખોળે રહેતા અવનવા પક્ષીઓ ગુજરાત રાજ્ય સહિત ભારતભરમાં શિયાળામાં પોતાના મનગમતા વાતાવરણમાં વિશાળ દરિયાઇ વિસ્તાર ખેડીને હજારો માઇલની મુસાફરી કરીને આવતા હોય છે. ખાસ કરીને નળ સરોવરમાં, કચ્છના અખાતમાં તેમજ દરિયાકાંઠાના શહેરોમાં નવા નવા યાયાવર પક્ષીઓ નજરે પડે છે. હાલમાં જ દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લામાં આવેલા વ્યારા નજીકના કાંજણ ગામમાં આદિવાસીઓના પવિત્ર સ્થાનક ગોવાળદેવમાં યુરોપ, ઇરાક અને ઇરાનમાં સામાન્ય રીતે દેખાતું પક્ષી માસ્કડ શ્રાઇક (Masked Shrike)ને જોવા મળ્યું હતું. આ નવું પક્ષી જોવા મળતાં એક પક્ષી પ્રેમીએ તે કેમેરામાં કેદ કરી લીધું હતું.
૧૮ ડિસેમ્બરે ગોવાળદેવમાં વ્યારાના દેગામાના ફોટોગ્રાફીના શોખીન આયુર્વેદિક ડોક્ટરે આ નવું પક્ષી જોયું હતું. પક્ષીને જોતાંની સાથે તેના અસંખ્ય ફોટોગ્રાફ્સ લઈ લીધાં હતાં. એ પછી આ પક્ષીની ઓળખ મેળવવા બર્ડઝ ઓફ ઇન્ડિયા બુક ફેંદી નાંખવામાં આવી છતાં પક્ષી અંગે કોઇ પણ માહિતી મળી નહોતી.
એ પછી આ ડોક્ટરે પંખી વિશે વન વિભાગને પણ જાણ કરી હતી. ત્યારબાદ પક્ષી નિષ્ણાતોની મદદ મેળવવા સોશિયલ મીડિયા ગ્રુપમાં પક્ષીનો ફોટો શેર કર્યો હતો. લાંબા સમય બાદ બર્ડ ફોટોગ્રાફર જુગલ પટેલ પાસેથી આ પક્ષી અંગેની માહિતી મળી હતી.
પક્ષીવિદ્દો કહે છે કે, ભારત દેશમાં અનેક પક્ષીઓ શિયાળાની શરૂઆતમાં સ્થળાંતર કરે છે પરંતુ યુરોપના દેશોમાં જ રહેતું આ નાનકડું પક્ષી ખાસ કરીને શિયાળામાં નોર્થ ઇસ્ટ આફ્રિકામાં માઇગ્રેટ થાય છે. તે ભારત આવ્યાનો પ્રથમ કિસ્સો છે. ફોટોગ્રાફમાં સ્પષ્ટ થયું છે તે મેલ પ્રકાર ધરાવે છે. શિયાળો પૂરો થાય એટલે પક્ષીઓ પોતાના વતન પરત ફરે છે. આ પક્ષી ૮ જાન્યુઆરી,૨૦૧૭ બાદ જોવા મળ્યું નથી. પક્ષીપ્રેમીઓ માટે આ પક્ષી અભ્યાસનો વિષય બનશે.