નવસારીઃ ચીખલી તાલુકાના સોલધરા ટેકરી ફળિયામાં આવેલા ઈકો પોઈન્ટ પર રવિવારે ઈકો પોઈન્ટની મજા માણવા માટે સુરત, અમદાવાદ અને ચીખલીથી સહેલાણીઓ ઉમટી પડ્યા હતા. સાંજના સુમારે આશરે છથી સાડા છ વાગ્યા આસપાસ ઈકો પોઈન્ટની નદીમાં મજા માણીને કેટલાક સહેલાણીઓ કિનારે પરત આવતા હતા. કિનારે કેટલાક સહેલાણીઓ હોડીમાં બેસી રહ્યા હતા તે દરમિયાન હોડી અચાનક પલટી ખાઈ જતાં હોડીમાં બેસવા જઈ રહેલા અને ઉતરી રહેલા પ્રવાસીઓએ ભારે બૂમાબૂમ કરતા આજુબાજુના રહીશો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. કિનારા નજીક હોડી ઊંધી વળી જતાં ડૂબી રહેલા કેટલાક પુરુષ અને મહિલાઓને બચાવી લેવાયા હતા જ્યારે ત્રણ બાળકો અને એક મહિલા તેમજ એક યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ થયાં હતાં.
ઘટનામાં બે સંતાનોની માતા ૩૨ વર્ષીય પરણિતા, ૩ માસૂમ બાળકો (બે બાળકી એક બાળક) અને એક યુવાન મળી કુલ પાંચનાં મોત થયાં હતા.
મોતને ભેટેલા કમભાગીઓ
૧. ક્રિષ્ના મિલનકુમાર સોની (ઉ. વ. ૩૨, રહે. ગોતા, અમદાવાદ)
૨. મેહુલ ઘનશ્યામભાઈ સોની (ઉ. વ. ૨૮, રહે. જોશી મહોલ્લા, ચીખલી)
૩. જેનિલ મિલનકુમાર સોની (ઉ. વ. ૧૦, રહે. ગોતા, અમદાવાદ)
૪. હેન્સી મિલનકુમાર સોની (ઉ. વ. ૧૮ માસ, રહે. ગોતા, અમદાવાદ)
૫. ઇન્સિનિયા મુર્તજા કિનખાબવાલા (ઉ. વ. ૬, રહે. બેગમપુરા, સુરત)