ઈતિહાસકાર ડો. બાવીસીનું અવસાન

Wednesday 07th September 2016 07:52 EDT
 

જાણીતા ઈતિહાસકાર, સિક્કા શાસ્ત્રી અને વિદ્વાન શિક્ષણશાસ્ત્રી  ડો. મુગટલાલ બાવીસીનું તાજેતરમાં ૮૩ વર્ષની ઉંમરે અમદાવાદમાં નિધન થયું હતું. એમટીબી આર્ટ્સ કોલેજના ઈતિહાસના પ્રાધ્યાપક ડો. મુગટલાલ બાવીસીએ લીમડીના ઈતિહાસ અને સુરતના ઈતિહાસ વિશે બહોળું સંશોધન કર્યું હતું. તેમને અનેકવિધ બહુમાન પણ મળ્યાં હતાં. તેઓ અનેક સંસ્થાઓ સાથે પણ સંકળાયેલા હતા. 

• સુરત-મુંબઈની ફ્લાઈટ ડેઈલી થઈ નહીંઃ એર ઈન્ડિયાના અધિકારી અશ્વ લોહાણીએ સુરત એરપોર્ટથી એર કનેક્ટીવિટી અને સુવિધા વધારવા સુરતના સાંસદો સી આર પાટિલ અને દર્શના જરદોશને કરેલો વાયદો પોકળ સાબિત થયો છે. ૫મી સપ્ટેમ્બરથી મુંબઈ-સુરતની સપ્તાહમાં ત્રણ દિવસની ફ્લાઈટ ડેઈલી થવાની વાત તો દૂર રહી આ ફ્લાઈટને પ્રવાસી જ નહીં મળે તેવું આયોજન એર ઈન્ડિયાની સિસ્ટર કન્સર્ન કંપની અલાયન્સ એરનું જણાઈ રહ્યું છે. સુરત-દિલ્હીની એર ઈન્ડિયાની ઈવનિંગ ફ્લાઈટનું ભાડું જ્યાં રૂ. ૪૫૦૦ છે ત્યાં સુરત મુંબઈ ફ્લાઈટનું ૩૧ ઓગસ્ટ ૨ અને ૪ સપ્ટેમ્બરનું જ ભાડું ૧૦,૫૫૯ રૂપિયા રાખવામાં આવ્યું હતું. એર કિ.મી. અંતર પ્રમાણે ગુજરાતમાં ઓપરેટ થતી એર ઈન્ડિયાની કોઈ પણ ફ્લાઈટ કરતાં આ સર્વાધિક ભાડું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના સ્વતંત્રતા દિને રાષ્ટ્રજોગ સંબોધનમાં કહ્યું હતું કે, એક કલાકની અંદર જે વિમાની મુસાફરીની સેવા આવતી હોય તેનું ૨૫૦૦ રૂપિયા નિયત ભાડું રાખવાની જાહેરાત કરી હતી તેના પંદર જ દિવસમાં તે નિવેદન પોકળ સાબિત થયું છે.

• વિશ્વામિત્રીના કિનારે રિવરફ્રન્ટ બનશેઃ વડોદરા શહેરના મધ્યમાંથી વહેતી વિશ્વામિત્રી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ઘડાયો છે. આ પ્રોજેક્ટનું કામ શરૂ કરવા માટે હવે વડોદરા રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડની રચના કરાઈ છે. આ કંપનીની પ્રથમ મિટિંગ મંગળવારે યોજાઈ હતી જેમાં કંપનીને લગતા પ્રાથમિક નિર્ણયો લેવાયા હતા. ઉલ્લેખનીય છે કે વડોદરા રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડમાં પ્રથમ તબક્કામાં ત્રણ ડિરેક્ટરો ડો. વિનોદ રાવ, ભરત ડાંગર તેમજ ચન્દ્રકાન્ત શ્રીવાસ્તવની નિમણૂક કરાઈ છે.

• MS યુનિ.માં એબીવીપીની હારઃ મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી વિદ્યાર્થી સંઘની ચૂંટણીમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (અભાવિપ)ની હાર થઈ હતી. યુનિવર્સિટી જીએસ તરીકે એનએસયુઆઇના હિતેશ બત્રા તથા વીપી તરીકે પ્રિયંકા પટેલ વિજેતા થયા હતા. અભાવિપના સુભમ કૌલનો જીએસ અને વીપી પદ પર સીમરન મોદીનો પરાજય થયો હતો. યુનિ.ની કોમર્સ ફેકલ્ટીના એકાઉન્ટિંગ ફાઇનાન્સિયલ મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટના હેડ ડો. શિરીષ કુલકર્ણીની સરદાર પટેલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર તરીકે ૩૦મી ઓગસ્ટે નિમણૂક થઈ.

• બિલ્ડરની રૂ. ૩૮ કરોડ કાળા નાણાની જાહેરાતઃ ઈન્કમટેક્સ ડેકલેરેશન સ્કીમમાં અડાજણ અને વેસુમાં વીસ કરતાં વધારે પ્રોજેક્ટનું નિર્માણ કરનારા ટોચના રિઅલ એસ્ટેટ ગ્રુપ દ્વારા તાજેતરમાં રૂ. ૩૮ કરોડના કાળા નાણાની કબૂલાત કરાઈ છે. આ ગ્રુપની રિઅલ અસ્ટેટ સ્કીમના બ્રાન્ડ એમ્બેસેડર અમિતાભ બચ્ચન છે. આ રૂ. ૩૮ કરોડની વિગતો સાથે અત્યાર સુધીમાં સુરત કચેરીને રૂ. ૧૦૫ કરોડની આવક થઈ હોવાનું વિભાગ દ્વારા તાજેતરમાં જણાવવામાં આવ્યું છે.

• સિન્થેટિક ડાયમંડની પળવારમાં ઓળખઃ ડિબિયર્સ ગ્રુપની કંપની ધ ઈન્ટરનેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ ડાયમંડ ગ્રેડિંગ એન્ડ રિસર્ચ દ્વારા સિન્થેટિક ડાયમંડ ઓળખી બતાવતું લગભગ રૂ. ત્રણ લાખની કિંમતનું મશીન તૈયાર કરાયું છે. ડિબિયર્સ ગ્રુપની સુરત, ન્યૂ યોર્ક સ્થિત કંપની ચાલુ માસે હોંગકોંગમાં ૧૪થી ૧૮ સપ્ટેમ્બર દરમિયાન યોજાનારા જેમ એન્ડ જ્વેલરી પ્રદર્શનમાં આ ‘સિન્થેટિક ડાયમંડ ચેકર’ મશીન લોન્ચ કરશે. આ મશીનની ખાસિયત એ છે કે તે કોમ્પેક ઈન્સ્ટ્રુમેન્ટ છે.­

• ગણેશજીને પસંદ મોદક બન્યા ફેન્સીઃ શહેરમાં ઉજવાતા ગણેશ ઉત્સવની ઉજવણીમાં વિવિધ થીમ સાથે પ્રસાદ પણ હવે થીમ બેઝ થઈ ગયો છે. પહેલાં માત્ર ચુરમાના લાડુ-મોદકનો પ્રસાદ શ્રીજીને ધરવામાં આવતો, પણ હવે મોદક પણ ફ્લેવર્ડ બની ગયાં છે. ફ્લેવર્ડ મોદકની ડિમાન્ડ વધતાં જાત જાતની ફ્લેવરના મોદક બની રહ્યાં છે. ગણેશોત્સવમાં અગાઉ માત્ર ચુરમાના મોદક બનતા હતા. પણ ગણેશ મંડળો અન્યો કરતા કંઇક જુદું કરવાની ઇચ્છા રાખતા હોવાથી મીઠાઇની જુદી-જુદી ફ્લેવરના મોદક બનાવવાનું શરૂ કરાયું છે. હાલમાં ૧૦થી ૧૨ ફ્લેવરના મોદક બની રહ્યા છે. જેમાં ચોકલેટ મોદક, ડિલાઈટ મોદક, રોઝ મોદક, ટોપરા મોદક, ડ્રાયફ્રૂટ મોદક, વેનિલા મોદક, પાઈનેપલ મોદક, ઓરેંજ મોદક, ચુરમાના મોદક, કાજુ મોદક, બોન્ટી મોદકનો સમાવેશ થાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter