તાપી જિલ્લાના ઉકાઈ થર્મલ પાવર સ્ટેશનમાં આવેલા ટર્બાઈન નંબર ૫માં તાજેતરમાં અચાનક આગ લાગતાં થર્મલ પાવર સ્ટેશન અને આજુબાજુના વિસ્તારમાં ભારે દોડધામ મચી ગઈ હતી. થર્મલ પાવર પ્લાન્ટ પાંચના ટર્બાઈન પાસેના એક બોઈલર પાસે ઓઈલ ઢોળાયું હતું જેના કારણે આ આગ ફેલાઈ હોવાનું તપાસ કરતાં જાણવા મળ્યું હતું.
• રૂપિયાને પાઉન્ડમાં ફેરવવાનું કહીને રૂ. ૭૩ લાખની ઠગાઈઃ ભરૂચના મંઝૂર અહેમદઅલી ઇસ્માઇલ બાપુનો ઉસ્માન મુસા કોદર ઉર્ફે ઉસ્માન ગનીએ તેના સાગરીતો પરવેઝ અખ્તર તેમજ વિવેક ઉર્ફે રાહુલ ત્રિપાઠી સાથે સંપર્ક કરાવ્યો હતો. એ પછી એ ત્રણેએ મળીને મંઝૂર અહેમદઅલીની મુલાકાત એક નાઈજિરિયન સાથે કરાવી અને તેણે ૫૦ પાઉન્ડની નોટ બનાવવાનો કીમિયો છે તેવું જણાવી રૂ. ૭૩ લાખ મંઝૂર અહેમદઅલી પાસેથી ખંખેરી લીધા હતા. બાદમાં આ મૌલવીને પોતાની સાથે છેતરપિંડી થયાનું લાગતાં તેમણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
• સુરતનો માલિયા બેંકોનાં રૂ. ૧૧૭ કરોડ ચાઉં કરી ગયોઃ મૂળ સૌરાષ્ટ્રના બજુડ ગામના વતની અને સુરતના રહેવાસી જગદીશભાઈ કરમશીભાઈ બોદરાએ વર્ષ ૨૦૦૮માં તેના અન્ય ભાગીદાર મિત્રો સાથે ક્રિએટિવ હાઉસ, ફૂલપાડા એ. કે. રોડ ઉપર આર. જે સ્કેવર લીંક પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની શરૂ કરી હતી. નવી શરૂ કરેલી પોતાની રાજ ઇન્ટરનેશનલ કંપનીના ડેવલપમેન્ટને નામે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા પાસેથી રૂ. ૬૪.૫૦ કરોડ, બેંક ઓફ ઇન્ડિયા પાસેથી રૂ. ૧૮.૨૯ કરોડ અને બેંક ઓફ બરોડા પાસેથી રૂ. ૩૮.૬૦ લાખ મળી રૂ. ૧૧૭ કરોડની લોન લીધી હતી. ત્યાર બાદ જગદીશ બોદરા ગાયબ થઈ ગયો હતો. અને લોનની ભરપાઈ કરી ન હતી. આ લોન કૌભાંડમાં ગેરેન્ટર ડિરેક્ટરોને બેંકોએ નોટિસ આપતાં આર. જે. સ્કવેર કંપનીના ડિરેક્ટર જયેશ ધીરજલાલ મિસ્ત્રીએ જગદીશભાઈ બોદરા વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસના જણાવ્યા મુજબ બેંકના કેટલાક કર્મચારીઓની પણ આ કૌભાંડમાં સંડોવણી હોવાનું જણાય છે.