સુરત: ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સે (એઈમ્સ)એ ૧૫મીએ એમબીબીએસ એન્ટ્રેન્સ એક્ઝામ-૨૦૧૭નાં પરિણામો જાહેર કર્યાં હતાં. તેમાં સુરતની નિશિતા પુરોહિતે ટોપ કર્યું છે. દેશભરની સાત એઈમ્સમાં ૭૦૭ સીટો પર એડમિશન માટે ૨૮ મેના રોજ પરીક્ષા લેવાઈ હતી. ટોચના ૧૦૦ વિદ્યાર્થીઓમાં ગુજરાતના વિદ્યાર્થીઓએ પણ સ્થાન મેળવ્યું છે. કુલ ૨,૮૭૭૩૭ વિદ્યાર્થીઓએ પ્રવેશ પરીક્ષા આપી હતી જેમાંથી ૪,૯૦૫ વિદ્યાર્થીઓ કાઉન્સિલિંગ માટે ક્વોલિફાય થયા છે. દેશભરમાં પ્રથમ આવેલી નિશિતાએ જણાવ્યું હતું કે, તેના ભાઈ અંશુલ પુરોહિતે ૨૦૧૫માં IIT-JEEની પરીક્ષામાં ઓલ ઇન્ડિયા ૮૪મો રેન્ક મેળવ્યો હતો. જેનાથી પ્રેરાઈને તેણે AIIMSમાં ટોપ- ૨૦ રેન્કમાં આવવા તૈયારી કરી હતી. નિશિતા ધોરણ-૯ અને ૧૦માં બે વાર બાસ્કેટ બોલમાં નેશનલ લેવલ સુધી પણ રમી ચૂકી છે.
યોગનું પણ યોગદાન
નિશિતા દિલ્હી AIIMSમાં કાર્ડિયોસર્જન બનવા માગે છે. પોતાની તૈયારી અંગે તેનું કહેવું હતું કે, હું રોજ સવારે ૧૫ મિનિટ મેડિટેશન કરતી હતી. પાંચથી કલાક કોચિંગમાં અભ્યાસ કરતી હતી. કોચિંગમાં સંપૂર્ણ ધ્યાન આપતી હોવાથી વાંચનનું ભારણ ખાસ્સું ઓછું થઈ જતું હતું. ઘરે ટેન્શન કે ડિપ્રેશનમાં આવ્યા વિના ચારથી પાંચ કલાકનું વાંચન કરતી હતી. ફિઝ્કસમાં કોઈ ડિફિકલ્ટી આવે તો ભાઈ અંશુલને ફોન કરીને સોલ્વ કરતી હતી.