વલસાડઃ જિલ્લાના ધરમપુરથી ૩૦ કિલોમીટર દૂર આવેલા વિલ્સન હિલ નજીકના ઉલસપિંડી ગામમાં પાણીની ઘેરી સમસ્યા ઊભી થઈ છે. પાણીના એક બેડાં માટે અહિની મહિલાઓએ ૭૦ ફૂટ નીચે ખાડીમાં ઊતરવું પડે છે. ઉલસપિંડીના લોકોએ જણાવ્યું કે, ગામના ચાર કૂવા પૈકી ત્રણ કૂવા ઉનાળાની આખર સિઝનમાં સુકાઈ જાય છે. નડગઇહર તરીકે ઓળખાતો આ એકમાત્ર કૂવો ગામના ૪૦૦ રહીશોની પીવાના પાણીની જરૂરિયાત સંતોષે છે. એ કૂવો ધસી પડતા, ગ્રામજનોએ પીવાના પાણી માટે ૨ કિ.મી.ના અંતરે આવેલી કડવાઈ ખાડી સુધી પગપાળા જવું પડે છે. ત્યાં ૭૦ ફૂટ નીચે ખોદેલા ચાર ફૂટ ઊંડા ખાડામાં નીકળતા ઝરણામાંથી પાણી ભર્યા બાદ ભરેલા બેડા સાથે મહિલાઓએ પરત ૭૦ ફૂટ ઉપર ચડવાની ફરજ પડે છે. ઝરણામાંથી થોડું થોડું પાણી નીકળતું હોય, એક બેડું ભરાતા એક કલાક જેટલો સમય થાય છે.