સુરતઃ સંસ્કૃત ભાષામાં માસ્ટર ડિગ્રી હાંસલ કરીને એક મુસ્લિમ યુવતીએ બબ્બે ગોલ્ડમેડલ મેળવ્યા છે. આ યુવતીનું નામ કૌશલાબાનુ ખેર છે. તે કહે છે કે, મારે ગોલ્ડમેડલ મેળવવા માટે કપરા ચડાણ પાર કરવા પડ્યા છે. જ્યારે હું એમએના ચોથા સેમેસ્ટરમાં હતી ત્યારે મારો દીકરો દોઢ વર્ષનો હતો. પરીક્ષા દરમિયાન મેં તેને મારા પપ્પના ઘરે મોકલી આપ્યો હતો. દીકરાથી દૂર રહીને વાંચવામાં મારું મન નહોતું લાગતું, પણ બીજો કોઈ વિકલ્પ પણ નહોતો. કૌશલાએ એ પછી દીકરાની માવજત સાથે એમએ કર્યું અને બે ગોલ્ડમેડલ મળવ્યા.
કૌશલાબાનુ કહે છે કે, મારી ઉંમર ૨૪ વર્ષની છે અને મારે બે વર્ષનો દીકરો છે, લગ્ન પછી મેં એમએ કરવાનું ચાલુ કર્યું હતું. મે વાલિયા તાલુકાની મહિલા આર્ટસ કોલેજમાં અભ્યાસ કર્યો છે. બીજા વિષયો કરતાં મને પહેલથી સંસ્કૃત વિષયમાં વધારે રસ પડતો હતો. મને વેદાંત ફિલોસોફી અને ભાગવત પુરાણમાં ગોલ્ડમેડલ મળ્યા છે. એમએમાં મને ૮૪ પર્સન્ટેજ આવ્યા છે અને યુનિવર્સિટીની તમામ કોલેજોમાં ટોપર પર રહી છું.