ખેડા, નડિયાદઃ સુરતના ગ્રીષ્મા હત્યાકેસ જેવી જ ઘટના ખેડા જિલ્લાના માતર તાલુકાના ત્રાજ ગામે બની છે. એકતરફી પ્રેમમાં પાગલ 46 વર્ષીય યુવકે 15 વર્ષીય કિશોરીની જાહેરમાં હત્યા કરી દેતા ચકચાર મચી છે. બહેનપણી સાથે મંદિરે દર્શન કરવા ગયેલી કિશોરી ઘરે પરત ફરતા સમયે ઠંડુ પીણું લેવા પાન પાર્લર પર ગઈ હતી, જ્યાં એક તરફી પ્રેમમાં પાગલ આધેડે કિશોરીને ગળા અને હાથના ભાગે કટરના ઉપરાછાપરી પાંચ ઘા મારીને ગંભીર ઇજાઓ કરતાં કિશોરીનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. બનાવના પગલે જિલ્લા પોલીસ વડા સહિતનો પોલીસ કાફલો બનાવના સ્થળે દોડી ગયો હતો.
ગયા બુધવારે રાત્રે પોણા નવ વાગે ત્રાજ ગામમાં રહેતી 15 વર્ષીય કૃપા પટેલ બહેનપણી સાથે મંદિરેથી દર્શન કરી ઘરે જઈ રહી હતી. તે સમયે બસ સ્ટેન્ડ પાસે આવેલા પાન પાર્લર પર ઠંડુ પીણું ખરીદવા માટે ગઈ હતી. ત્યાં રાજુ ઉર્ફે રાજેશ (46)એ કિશોરી પર હિચકારો હુમલો કરી ગળા પર ત્રણ અને હાથના ભાગે બે ઘા ઝીંકી દીધા બાદ રાજુ સ્થળ પરથી ફરાર થઇ ગયો હતો. ગંભીર રીતે ઘવાયેલા કિશોરીને રીક્ષામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવી હતી. જોકે ડોક્ટર ન હોવાના કારણે ત્યાંથી ખેડા સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા સારવાર મળે તે પહેલાં જ મોત નિપજયું હતું.
મૃતક દીકરીના પિતાની ફરિયાદના આધારે માતર પોલીસે હત્યારા રાજેશ ઉર્ફે રાજુ મગનભાઇ પટેલ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી ધરપકડ કરી છે. કિશોરી આરોપીની ભત્રીજીની બહેનપણી હતી. જેથી તે અવારનવાર બહેનપણીના ઘરે જતી હતી. કોઇ કારણોસર કેટલાક સમયથી તેણે તેની બહેનપણીના ઘરે જવાનું બંધ કર્યું હતું. એકતરફી આકર્ષણમાં રાજુએ હત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં ખૂલ્યું છે. આરોપી રાજુ ગામ પાસે જ આવેલી ખાનગી કંપનીમાં કાચની બોટલ બનાવવાનું કામ કરે છે.
હત્યારાને ફાંસી આપોઃ પિતાનો વલોપાત
મૃતક કૃપાના પિતા દિલીપ પટેલે જણાવ્યું હતું કે, મારી દીકરી કૃપાની જે રીતે હત્યા કરી છે તે જ રીતે આરોપીને પણ જાહેરમાં ફાંસી આપવામાં આવે. સુરતની ગ્રીષ્માની જેમ તેમણે પણ ઝડપી ન્યાયની માગણી કરી હતી.