અમદાવાદઃ ફલાહે ઇન્સાનિયત ફાઉન્ડેશન ટેરર મામલે વરસાડમાંથી પકડાયેલા મોહંમદ આરિફ ગુલામબશીર ધમરપુરિયા સામે નેશનલ ઇન્વેસ્ટિગેશન ટીમ (એનઆઈએ)એ તાજેતરમાં ચાર્જશીટ ફાઈલ કરી છે. આરોપી મોહંમદ આરિફ દુબઈથી આંતકી મોહંમદ હુસેન મૌલાની, અબ્દુલ હામિદ મૌલાનીના ફલાહે ઇન્સાનિયત ફાઉન્ડેશન સંસ્થાને ટેરર ફંડિંગ કરતા હોવાના પુરાવા ચાર્જશીટમાં રજૂ કરાયા છે. આ ચાર્જશીટમાં એલટીના આફિઝ મોહંમદ સઈદ અને એફટીએફના ડેપ્યુટી સઈદ મહેમૂદ તથા અન્યોને વોન્ટેડ દર્શાવ્યા છે.
એનઆઈએ દ્વારા દિલ્હીમાં આંગડિયા પેઢીમાં દોઢ વર્ષ પહેલાં પડાયેલા દરોડામાં ટેરર ફંડિંગની વિગતો બહાર આવી હતી. એનઆઈએ દ્વારા ૨૧મી જાન્યુઆરી ૨૦૧૯માં ગુજરાતના સુરત તથા વલસાડ સહિત દેશભરમાં આઠ જગ્યાએ દરોડા પાડીને ટેરર ફંડિંગનો પર્દાફાશ કર્યો છે. જેમાં રાજસ્થાનના જયપુર, સિકર, ઉત્તર પ્રદેશના ગોંડા, દિલ્હી અને કેરળના કસારગોડમાં દરોડા પાડ્યા હતા. આ દરોડામાં ટેરર ફંડિંગને લગતા દસ્તાવેજો મળી આવ્યા હતા. ફલાહે ઇન્સાનિયત ફાઉન્ડેશન ટેરર ફંડિંગ કેસમાં મોહંમદ હુસેન મૌલાની, અબ્દુલ હામિદ મૌલાનીની પૂછપરછમાં ટેરર ફંડિંગની માહિતી બહાર આવી એ પછી દરોડા પાડ્યા હતા. ફલાહે ઇન્સાનિયત ફાઉન્ડેશનના ઓથા હેઠળ ગુજરાતના દક્ષિણ ગુજરાતમાંથી ફંડિંગ થતું હોવાની માહિતીના આધારે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી દ્વારા સુરત અને વલસાડમાં દરોડા પાડવામાં આવ્યા હતા.