સુરતઃ દિલ્હી અને સુરત વચ્ચે એર ઇન્ડિયા દ્વારા ચાલતી ફ્લાઇટ માટે મોટું વિમાન ફાળવવાની માગણી અંતે સ્વીકારવામાં આવી છે. સુરતીઓ દ્વારા વડોદરા અને અમદાવાદની સરખામણીએ સુરતને એર કનેક્ટિવિટી આપવાના મુદ્દે કેન્દ્ર સરકાર દ્વારા થતાં અન્યાય મામલે ત્રણેય એરપોર્ટના એરટ્રાફિક અને એરફેરની આંકડાકીય માહિતી સાથેનો અહેવાલ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સુધી પહોંચ્યો હતો.
આથી વડા પ્રધાને પોતે આ મામલે ઘટતું કરવા એર ઇન્ડિયાને આદેશ આપ્યો હતો. હવે એર ઈન્ડિયાએ ૧ ઓક્ટોબરથી દિલ્હી-સુરત વચ્ચે ૧૬૮ બેઠકો ધરાવતું મોટું વિમાન ઊડાડવાનો નિર્ણય લીધો છે.
આ અંગે સુરતનાં સાંસદ દર્શનાબેન જરદોશ અને નવસારીના સાંસદ સી. આર. પાટીલે જણાવ્યું હતું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સીધા આદેશથી એર ઈન્ડિયા ૧ ઓક્ટોબરથી ૧૬૮ બેઠકોવાળી એરબસ શરૂ કરી રહી છે. એર ઈન્ડિયા સમક્ષ ભારપૂર્વક એવી રજૂઆત થઈ છે કે ૧૬૮ બેઠકોમાંથી ૧૧૮ બેઠકોની ટિકિટ રૂ. ૪૫૦૦ અને વેટ સાથે અને બાકીની ૩૦ ટકા ટિકિટ પ્રીમિયમ દરથી વેચવામાં આવે. દરરોજ સાંજે ૫-૩૦ કલાકે આ ફ્લાઈટ દિલ્હીથી ઊપડીને ૭-૩૦ કલાકે સુરત આવશે અને સુરતથી ૮-૦૦ કલાકે ઊપડી રાત્રે ૧૦-૦૦ કલાકે દિલ્હી પહોંચશે.
નવેમ્બરમાં એર એશિયાની નવી ફ્લાઇટ
એર એશિયા કંપની સાથે આ બંને સાંસદોની યોજાયેલી બેઠકોને પગલે એર એશિયાએ દ્વારા નવેમ્બરથી બેંગ્લોર-સુરત-જયપુર-દિલ્હી વચ્ચે કનેક્ટેડ ફ્લાઈટ શરૂ કરવાનો સૈદ્ધાંતિક નિર્ણય લીધો છે. એર એશિયાના ઉચ્ચ અધિકારીઓ ૧૭ જુલાઈએ સુરત આવ્યા હતા અને તેમણે સાંસદો-ઉદ્યોગ સંગઠનો સાથે બેઠક યોજી હતી. સાંસદોએ ૭૦ ટકા બેઠકો ઉદ્યોગકારોની મદદથી આગોતરી બુક કરવાની ખાતરી આપી હતી. સી. આર. પાટીલે કહ્યું હતું કે એર એશિયાએ સુરતને બેંગ્લોર, જયપુર, દિલ્હી સાથે જોડતી વિમાન સેવા શરૂ કરવા તૈયારી બતાવી છે.