એર ઇન્ડિયાની સુરત-દિલ્હી ફલાઇટથી ઈન્ટરનેશનલ કનેક્ટિવિટી મળશે

Monday 28th September 2015 12:25 EDT
 

સુરતઃ અહીંથી એર ઇન્ડિયાની ૧ ઓકટોમ્બરથી શરૂ થઇ રહેલી એર ઇન્ડિયાની નવી સુરત-દિલ્હી ફલાઇટ દ્વારા ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ એર કનેક્ટિવિટી મળશે. એર ઇન્ડિયા દ્વારા આ રૂટ પર એરબસ-૩૨૦ (૧૬૮ સીટર) ફ્લાઇટ શરૂ કરવામાં આવી રહી છે. આ ફલાઇટમાં સુરતથી દિલ્હી જનારા પ્રવાસીઓને દિલ્હીથી વારણસી, લખનઉ, પટના, રાંચી અને શ્રીનગરની પણ કનેક્ટિવિટીમળશે. આ ઉપરાંત વિદેશની ન્યૂ ર્યોક, બેંગકોક, શિકાગો તેમ જ ફ્રેન્કફર્ટ જનારા મુસાફરોને સુરતથી સિંગલ ટિકીટ મળી શકશે. આ સિવાય તેમના સામાન દિલ્હીથી અન્ય ફલાઇટમાં ટ્રાન્સફર કરી અપાશે તથા કસ્ટમ ચેકિંગમાંથી પણ છૂટકારો મળશે. આ ફ્લાઇટથી ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ એર કનેક્ટિવિટી મુંબઇ કરતા સસ્તા દરે મળશે.

જ્વેલરી શોપમાંથી રૂ. ૨૨ લાખના માલની લૂટઃ સુરતના પલસાણાના કડોદરા ચાર રસ્તા ખાતે સરદાર કોમ્પલેક્સની એક જ્વેલરી શોપમાં ૨૬ સપ્ટેમ્બરે સવારે ચાર લૂટારુએ બંદુકની અણીએ એક કિલો સોનાના ઘરેણાં ઉપરાંત ચાંદીના દાગીના, રૂ. ૧.૮૦ લાખની રોકડ, બે મોબાઈલ, સીસીટીવી કેમેરાના ડીવીઆર મળી અંદાજે કુલ ૨૨.૩૫ લાખની લૂંટ ચલાવી હતી. પોલીસના જણાવ્યા મુજબ, કડોદરામાં રહેતા ફેનિલ પારેખ તેમની મોનિકા જ્વેલર્સ નામની શોપમાં બેગ મુકીને સફાઈ કરી રહ્યા હતા ત્યારે સવા દસ વાગ્યાની આસપાસ બે અજાણી વ્યક્તિ પ્રવેશી હતી અને મહાવીર જ્વેલર્સનું સરનામું પૂછવાને બહાને તેના હાથ બાંધી દીધા હતા ત્યાર બાદ અન્ય બે લોકોએ અંદર ઘૂસી જઈ લૂટ ચલાવી હતી.

આસારામ આશ્રમને રૂ. ૧૭ કરોડનો દંડ ભરવા આદેશઃ બળાત્કારના કેસમાં જેલવાસ ભોગવી રહેલા આસારામને સુરત કલેક્ટર ડો. રાજેન્દ્રકુમારે દંડ ભરવા જણાવ્યું છે. શહેરના જહાગીરપુરાની જમીનના ભાડાપેટે લાંબા સમયથી બાકી રહેલા સરકારી લેણાં વસૂલવા આ આખરી નોટિસ ફટકારી છે. આશ્રમ દ્વારા સિંચાઇ વિભાગની પાળા યોજનાના હેતુ માટે રિઝર્વ રહેલી જમીન પચાવી પડાઇ હતી. તાપી કિનારે આવેલી આ ૩૪૪૦૦ ચો.મી. જમીન ઉપર ગેરકાયદે કબજો કરી સંત કુટિર, ગૌશાળા, ઔષધાલય બનાવી દેવાયું હતું. આ અંગે તંત્રને જાણ થતાં રેવન્યુ વિભાગે જમીનનો કબજો પરત મેળવવા કાર્યવાહી શરૂ કરી હતી. સાથોસાથ જમીનના વપરાશ બદલ રૂ. ૧૭.૩૪ કરોડનો દંડ પણ આશ્રમને ફટકાર્યો હતો. તંત્ર દ્વારા કડકાઇથી શરૂ થયેલી આ કાર્યવાહીને પગલે આશ્રમના સાધકોએ જમીનનો કબજો નહીં છોડવા રાતોરાત મંદિર ઊભું કર્યું હતું. જેને પગલે ભૂતકાળમાં વિવાદ પણ થયો હતો.

પેકેજની ઉજવણી કરતા ભાજપ આગેવાનો ઉપર પથ્થરમારોઃ બિનઅનામત વર્ગ માટે રાજ્ય સરકારે જાહેર કરેલા પેકેજની ઉવજણી માટે સુરતના વરાછા મીનીબજારમાં ફટાકડા ફોડવા ગયેલા ભાજપના આગેવાનો પર પથ્થરમારો થયો હતો. આ ઘટનાથી શહેરનું વાતાવરણથી ડહોળાયું હતું. ગણતરીની મિનિટમાં ભાજપના આગેવાનો પર ચારે બાજુથી પથ્થર મારો શરૂ થઈ જતાં મેયર અને ધારાસભ્ય સહિતના આગેવાનોએ ભાગવું પડ્યું હતું. પોલીસે તોફાનીઓને વિખેરવા માટે ટીયરગેસના ૨૫ સેલ છોડ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter