એર ઈન્ડિયાની દિલ્હી-સુરતની નવી ફ્લાઈટને સારો પ્રતિસાદ

Tuesday 13th October 2015 13:21 EDT
 

સુરતઃ એક ઓક્ટોબરથી શરૂ થયેલી નવી દિલ્હી-સુરતને જોડતી ૧૬૮ સીટર ફ્લાઇટને સારો પ્રતિસાદ મળ્યો છે. શરૂઆતના ૧૧ દિવસ દરમિયાન ૨૨૦ મુસાફરોની દૈનિક સરેરાશ પ્રમાણે ૨૨૦૦ પ્રવાસીઓએ આ ફ્લાઇટનો લાભ લીધો છે. એટલે કે ૧૬૮ સીટર વિમાનમાં રોજ ૧૧૦ પ્રવાસીઓ જઈ રહ્યા છે. એર ઈન્ડિયાની એરબસ માટે સચીન, પાંડેસરા, પલસાણાના ઉદ્યોગકારોએ સાંસદ સાથે મળીને એર ઈન્ડિયા સાથે કરેલા સમજૂતી કરાર મુજબ એર ફ્લાઇટની ૧૬૮ પૈકી ૧૧૮ બેઠકો રૂ. ૪૫૦૦ના ફિક્સ દરે અથવા તેથી ઓછા ભાવે વેચી શકશે. બાકીની ૩૦ ટકા બેઠકો પ્રીમિયમ ભાવે વેચી શકશે. ૭૦ ટકા બેઠકો દૈનિક બુક કરવાની શરતે એર ઈન્ડિયાએ રૂ. ત્રણ કરોડની બેંક ગેરંટી લીધી છે તે જોતાં પ્રથમ ૧૧ દિવસમાં અપડાઉન પ્રમાણે દૈનિક ૧૬ ટિકીટો ઓછી ભરાઈ છે જે દિવાળી વેકેશન દરમિયાન કવર થશે એવી આશા એરપોર્ટ અવેરનેસ ગ્રૂપને છે.

• ખેડૂતે પરિજનોની હત્યા કરી આત્મહત્યા કરીઃ વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના નાની કોસબાડી ગામના ખેડૂતે કોઇ કારણસર ૧૦ ઓક્ટોબરે રાત્રે પોતાની પત્ની, ત્રણ પુત્રી, બે પુત્રો તથા એક વર્ષીય માસૂમ દોહિત્રી મળી પરિવારના સાત સભ્યોની દાંતરડાથી હત્યા કરીને પોતે ગળે ફાંસો ખાઇ લીધો હતો. શનિવારે સાંજે નજીકમાં રહેતી પુત્રીને ત્યાં ગયેલી વૃદ્ધ માતા રવિવારે વહેલી સવારે ઘરે પરત ફરી ત્યારે તેમના પુત્રએ કરેલા સામૂહિક હત્યાકાંડની ભયાનક ઘટના બહાર આવી હતી. પોલીસે આ સામૂહિક નરસંહારની ઘટનામાં તપાસ હાથ ધરી છે.

• બિલ્ડરનું રૂ. ૩૨ કરોડનું કાળુ નાણુ મળ્યુંઃ ઇન્કમટેક્સ વિભાગે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના કોન્ટ્રાક્ટર યુનિક કન્સ્ટ્રકશનનું રૂ. ૩૨ કરોડનું બિનહિસાબી નાણું પક્ડ્યું છે. આ ઉપરાંત સરસ પ્લાયવુડના રૂ. ૧.૫૦ કરોડ અને મોટી સંખ્યામાં દસ્તાવેજો મેળવીને સર્વે હાથ ધર્યો છે.

• સુરતમાં રૂ. ૪૦૦ કરોડનો એડવાન્સ ઇન્કમટેક્સ મળ્યોઃ બજારમાં મંદી ફેલાયાની વાતો વચ્ચે સુરતમાંથી ઇન્કમટેક્સ વિભાગને રૂ. ૪૦૦ કરોડનો એડવાન્સ ટેક્સ મળ્યો છે. આ આંકડો ગત વર્ષની સરખામણીએ ૧૮ ટકા જેટલો વધુ છે. ગત ૩૦ સપ્ટે. સુધીના એડવાન્સ ટેક્સના આંકડા મુજબ રાજ્યમાંથી રૂ. ૧૩ હજાર કરોડનો આંક પાર કરી ગયો હોવાનું જણાયું છે. ગત વર્ષે આ જ સમયમાં એડવાન્સ ટેક્ષ રૂ. ૧૧,૫૦૦ કરોડ જેટલો હતો. એટલે તેમાં આ વર્ષે સીધો
રૂ. ૧૫૦૦ કરોડનો વધારો થયો છે.

• ખાંડ ફેક્ટરીને રૂ. ૨૪ કરોડ ભરવા ઈન્કમટેક્સની નોટિસઃ સુરત જિલ્લાની ચલથાણ સુગર ફેકટરીને ઇન્કમટેક્સ વિભાગે રૂ. ૨૪ કરોડ ટેક્સ ભરવાની નોટીસ ફટકારતાં ફેકટરી સંચાલકોમાં ખળભળાટ મચી ગયો છે. ટૂંક સમયમાં જિલ્લાની અન્ય પાંચ સુગર ફેકટરીઓને પણ નોટીસ મળવાની શક્યતા છે. ગુજરાતમાં સહકારી સુગર ફેકટરીઓ દ્વારા ગત વર્ષોમાં શેરડીના લઘુત્તમ ભાવ કરતાં વધુ નાણા ખેડૂત સભાસદોને ચૂકવવામાં આવ્યા હતા. કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરેલા લઘુત્તમ ભાવ કરતાં વધુ ચૂકવેલા નાણાને ઇન્કમટેક્સ વિભાગે નફો ગણી તે નાણા પર ટેક્સની ગણતરી કરી તમામ સુગર ફેકટરીઓને ગત વર્ષે નોટીસ ફટકારી હતી. જોકે, સ્થાનિક ભાજપના આગેવાનોએ આવી કાર્યવાહી નહીં થાય તેવી ખાતરી આપી હોવા છતાં વિભાગે નોટીસ આપતા સુગર ફેક્ટરીઓના સંચાલકોમાં રોષ વ્યાપ્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter