ઓલપાડમાં માતાના મૃતદેહને હાથલારીમાં લઇને પુત્ર રાત્રે સ્માશનગૃહ પહોંચ્યો

Wednesday 14th April 2021 05:37 EDT
 
 

બારડોલીઃ સુરત જિલ્લાના ઓલપાડ ખાતે રહેતા શાહ પરિવારના પુત્રએ પોતાની માતાને શંકાસ્પદ કોરોના સંક્રમણમાં વેન્ટીલેટરથી સારવાર આપવા આખા સુરત શહેરમાં પાંચ કલાક રઝળપાટ કરી હતી પણ સારવાર ન મળતાં માતાનું મોત થયું હતુ. બાદમાં લાશને સ્મશાનગૃહે લઇ જવા સ્થાનિક તંત્રએ શબવાહિનીની વ્યવસ્થા પણ ન કરતાં પુત્ર માતાની લાશ સ્મશાનગૃહે હાથલારીમાં લઈ ગયો હતો. તો સ્મશાનગૃહમાં અગ્નિ સંસ્કાર કરવા સંચાલકોએ સ્માશાનગૃહની ચાવી આપવામાં પણ વિલંબ કર્યો હતો.
ઓલપાડ ખાતે રહેતા પરીમ સુરરેશભાઇ શાહે જણાવ્યું કે, તેની માતા ભદ્રાબેન શાહને તા.૧૦મીના શ્વાસની વધુ તકલીફ શરુ થઈ હતી. ભદ્રાબેને શંકા વ્યક્ત કરી કે, કોરોના સંક્રમણમાં આવી ગયા છે. જેથી સારવાર માટે પોતે વેન્ટીલેટરની શોધમાં આખા સુરત શહેરમાં પાંચ કલાક સુધી રઝળપાટ કરી હતી પરંતુ વેન્ટીલેટર મળ્યું ન હતુ. દરમિયાન માતાનું સાંજે ૭ વાગ્યાના સુમારે મોત થયું હતુ. પરીમ શાહે વધુ જણાવ્યું કે, આમ જનતાના આરોગ્યની સલામતી માટે રાત્રે જ અંતિમ સંસ્કાર કરવાનું પરિવાર ઇચ્છતો હોવાથી ઓલપાડના સ્મશાન ગૃહના સંચાલકનો સંપર્ક કર્યો હતો. પણ શરુઆતના તબક્કામાં તેમણે સ્મશાનગૃહની ચાવી ન હોવાનું જણાવી દીધું હતુ. જેથી સ્મશાનગૃહના ઉપરી અધિકારીઓ સાથે વાત કરતાં ત્રણેક કલાક બાદ સ્મશાનગૃહની ચાવી આપી હતી. બાદમાં પરીમ શાહે માતાની લાશને સ્મશાનગૃહે લઇ જવા શબવાહિની મેળવવા પ્રયત્ન કર્યો હતો પરંતુ શબવાહિની મળી ન હતી. પરીમ શાહ સાંજે ૭ વાગ્યાથી રાત્રે ૧૦ વાગ્યા સુધી શબવાહિની માટે પ્રયત્ન કર્યો પણ શબવાહિની ન મળતા છેવટે રાત્રે ૧૧ વાગે કરફ્યૂ હોવા છતાં માતાના મૃતદેહને પ્લાસ્ટીકના કવરમાં પેક કરી હાથ લારીમાં સ્મશાનગૃહ સુધી લઈ ગયા હતા.
સંવેદના વિહીન બનાવમાં પરીમ શાહે ગમગીની સાથે રડતા રડતા જણાવ્યું કે, આવા કપરા સમયે સ્થાનિક અને સરકારી તંત્રએ કોઇ મદદ ન કરતાં કોરોના મહામારીમાં સમાજ માનવતા વિહીન બની ગયો હોવાનું લાગી રહ્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter