સુરતઃ બહુચર્ચિત કિંમતી હીરા ચોરી પ્રકરણમાં પોલીસને સફળતા મળી છે. એસઆરકે ડાયમંડ કંપનીમાંથી ૮૨૫ કેમેરા અને ૩૦ કર્મચારીની નજર ચૂકવીને માત્ર ત્રણ મિનિટમાં રૂ. ત્રણ કરોડના હીરા ચોરી કરનારા સાગર કપુરીયા અને તેના બે સાગરીતોને પોલીસે પકડ્યા છે. સાગરના બે સાગરીતો મોબાઇલ લોકેશનના આધારે પકડાયા છે અને તેમની પાસેથી પોલીસે ચોરીના તમામ હીરા કબજે કર્યા છે. જ્યારે સાગર કપૂરીયાને સૌરાષ્ટ્ર કાલાવડના સનાડા ગામથી પોલીસે પકડ્યો હોવાનું જાણવા મળે છે. ક્રાઇમબ્રાન્ચે સુરતમાંથી ઝડપાયેલા તેના બન્ને સાગરીતોને કોર્ટમાં રજૂ કરી બન્નેના સાત દિવસના રિમાન્ડ મેળવ્યા છે.
સાગરે હીરા ચોરીને ભરૂચના દહેજ ખાતે રૈયાદ ચોકડી નજીક સચીન કન્સ્ટ્રકશન કંપનીમાં રહેતા હર્ષદ રાખોલીયાને આપ્યા હતા. હર્ષદે હીરા પોતાની સાઇટ પર જમીનમાં ખાડો ખોદીને દાંટી દીધા હતા જોકે કોલ ડિટેલના આધારે પોલીસે હર્ષદને ઝડપી પાડી પૂછપરછ બાદ ચોરી થયેલા તમામ હીરા કબજે કર્યા હતા.
સાગરને સંબંધીએ જ પકડાવ્યો
હીરા ચોરીને સગેવગે કર્યા બાદ સાગર સૌરાષ્ટ્રની વાટ પકડી કાલાવડના સનાડા ગામ ખાતે પોતાના સંબંધીને ત્યાં પહોંચ્યો હતો. જોકે તેના સંબધીએ જ સાગર ત્યાં આવ્યો હોવાની જાણ કાલાવડ પોલીસને કરી હતી.