સુરતઃ હીરાનગરી તરીકે જાણીતું સુરત શહેર વિશ્વમાં ટેક્સટાઇલ હબ તરીકે પણ એટલું જ જાણીતું છે ત્યારે શહેરમાં એક મિલકતનો દસ્તાવેજ પોલિએસ્ટર ફેબ્રીક પર તૈયાર કરીને શહેરની સબ-રજિસ્ટ્રાર ઓફિસમાં તેની નોંધણી કરાવાઇ છે. ચાર મહિનાની જહેમત બાદ કાપડ પર તૈયાર થયેલો આ દસ્તાવેજ તૈયાર થયો છે. કાપડ ઉપર લખાયો હોય તેવો વિશ્વનો આ પહેલો દસ્તાવેજ હોવાનું મનાય છે.
શહેરના કાપડના વેપારી સંજય બાબુલાલ સુરાનાએ શહેરના રીંગરોડ પર એક કોમર્શિયલ કોમ્પલેક્સમાં રૂ. ૧૧.૮૫ લાખની એક ઓફિસ ખરીદી હતી. પોતે કાપડના વ્યવસાય સાથે સંકળાયેલા હોવાથી તેમની ઇચ્છા કાપડ પર જ દસ્તાવેજ તૈયાર કરીને તેની નોંધણી કરાવવા ઇચ્છતા હતા. આ અંગે નાનપુરા સબ રજિસ્ટ્રાર પાસે મંજુરી લીધા બાદ પાંચમી ઓક્ટોબરે તેમણે વકીલ મારફત આ દસ્તાવેજ નોંધણી કરાવી હતી. આ દસ્તાવેજ પોલીએસ્ટર ફેબ્રિકસ પર ડિજીટલ પ્રિન્ટ પર તૈયાર કરાયો છે.
વિવિધ પ્રકારના દસ્તાવેજ
કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા સુરાનાએ વકીલ અરુણ લોહાટી મારફતે કાપડ ઉપર કરાયેલા ડિજિટલ પ્રિન્ટિંગવાળા દસ્તાવેજની નોંધણી કરાવી હતી. આ દસ્તાવેજને સુપ્રીમ કોર્ટ લો મ્યુઝિયમમાં મોકલાશે. વર્ષ ૨૦૧૦માં સૌપ્રથમ વખત સંપૂર્ણ સંસ્કૃત ભાષામાં દસ્તાવેજની નોંધણી કરાવનાર અરુણ લોહાટીએ જ શનિવારે કાપડ પર દસ્તાવેજની નોંધણી કરાવી નવો વિક્રમ સ્થાપિત કર્યા હતો.
એડવોકેટ લોહાટી અગાઉ સંપૂર્ણ ગુજરાતી ભાષામાં, તાડપત્ર ખુદાઇ પર દસ્તાવેજ તૈયાર કરાવી નોંધણી કરાવી ચૂક્યા છે. એટલું જ નહીં વર્ષ ૨૦૧૮માં વિશ્વનો પહેલો સોના-ચાંદી અને હીરાજડીત દસ્તાવેજ તૈયાર કરી નોંધણી કરાવ્યો હતો.