નવસારીઃ જિલ્લામાં નાગધરાથી નોગામા ટાંકલ જતા રસ્તા પર આવેલા મહુડી - પૂર્ણી ગામે ૨૩મી ઓગસ્ટે અંબિકા નદીનો પુલ સ્થાનિક અને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે પૂરના પાણીમાં ગરક થઈ ગયો હતો. આ દરમિયાન એક કારમાં સવારે બે સુરતી યુવાનો કોઝવે પરથી પસાર થતાં હતાં. કારમાં તેઓ રસ્તો પાર કરતા હતા ત્યારે કોઝવેના થોડાક જ અંતરે કાર પાણીમાં ગરક થવા લાગી હતી. કાર તણાતી જતી હતી અને કારમાં સવાર બંને યુવાનોનાં જીવ પડીકે બંધાયા હતા. જોકે, ફસાયેલાઓને જોતાંની સાથે જ સ્થાનિક ગ્રામજનોએ ફાયરબ્રિગેડની મદદ લીધા વિના જ ૩૫ મિનિટમાં બંને યુવાનોને બચાવી લીધાં હતાં. કાર ધસમસતા પાણી વચ્ચે પીલ્લરમાં ફસાઈ હતી, પણ કારને સાંજે જેસીબી ક્રેઈનની મદદથી બહાર કઢાઈ હતી.