સુરત: મોટાવરાછામાં આવેલા એપલ હાઈટ્સ ફ્લેટ્સના ગ્રાઉન્ડ ફ્લોર પર ઉભેલા પિતા પંકજભાઈ ગજેરાને પાંચમા માળેથી કારની ચાવી ફેંકતી વખતે દીકરી પરિતા (ઉં.૧૫)એ જીવ ગુમાવી દીધો. પિતા તે સમયે દીકરીને નીચે પડતી જોઈને તેને ઝીલી લેવા દોડ્યા પણ દીકરીનો જીવ બચાવી શક્યા નહીં. ૨૮મી જુલાઈએ બનેલી આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે અને આ વીડિયો જોઈને લોકો હચમચી જાય છે. પરિતા ધોરણ-૧૦માં અભ્યાસ કરતી હતી. અમરોલી પોલીસમાં નોંધાયેલી આ ઘટના મુજબ, મૃતક પરિતાના પિતા પંકજભાઈ અશ્વિનીકુમાર રોડની નિર્મળનગર સોસાયટીમાં એમ્બ્રોઈડરીનું કારખાનું ચલાવે છે.
એપલ હાઈટ્સમાં નવું ઘર ખરીદ્યા બાદ તેઓ પત્ની, પુત્રી પરિતા અને સાતમા ધોરણમાં ભણતા પુત્ર સાથે અહીં રહેવા આવ્યા હતા. હાલમાં ગેલેરીની ગ્રીલનું કામ પણ ચાલતું હતું. દરમિયાન સર્જાયેલી દુર્ઘટનામાં પરિતા મોતને ભેટી છે. તેણીના અકાળે મોતથી પરિવારજનો શોકમાં ડૂબી ગયા છે.