ગોધરા: કાલોલ તાલુકાના સુરેલી ગામમાં રહેતા દંપતી ત્રણ પુત્રીઓ બાદ પુત્રના મોહમાં બાળકની ખરીદીમાં સપડાયા હતાં. પહેલી સપ્ટેમ્બરે મોબાઇલ પર કલોલના રાધા ગોપી પ્રસૂતિ હોસ્પિટલમાં સાફ સફાઇ કરવાવાળા મંજૂલાબહેનનો ફોન આવ્યો કે તમારે છોકરો જોઇતો હોય તો તાત્કાલિક ૧૫ હજાર રૂપિયા લઇને આવી જાઓ. પુત્રની ઘેલછામાં દંપતી રીનાબહેન અને પ્રવીણભાઇ રૂ. ૧૫ હજાર લઇને કાલોલમાં મંજુલાબહેનના ઘરે પહોંચી ગયા હતા. જ્યાં રૂ. ૧૫ હજારના બદલામાં મંજુલાબહેને રીનાબહેનને તાજું જન્મેલું બાળક આપ્યું હતું.
રીનાબહેને બાળકના સગાને મળવાનું કહેતાં મંજુલાબહેને કહ્યું કે, તમે છોકરા સાથે મતલબ રાખોને. તમારી જોડે કોઇ બાળક લેવા નહીં આવે. દંપતી બાળક લઇને સુરેલી પોતાના ઘરે આવ્યું હતું, પરંતુ ચાર પાંચ દિવસથી બાળક ધાવણ વગર રડ્યા કરતું હતું.
એ પછી પંચમહાલ બાળ સુરક્ષા એકમ ગોધરામાં એક અનામી અરજી આવી હતી. જેમાં નોંધ્યું હતું કે, રીનાબહેનને કોઇ સુવાવડના લક્ષણ ન હોવા છતાં તેઓ નવજાત બાળક ક્યાંથી લાવ્યા? બાળક બહુ રડે છે. માતાના ધાવણ વિના બાળકની સ્થિતિ સારી નથી. અરજીના આધારે બાળ સુરક્ષા અધિકારી તપાસ કરવા સુરેલી ગયા. જોકે બાળકને દંપતી ખરસલિયા લઇ ગયા હોવાનું જાણતાં અધિકારી ખરસલિયા ગયા હતા ત્યાં બાળક સાથે દંપતી મળી આવ્યું હતું. અધિકારીએ જાણ થઇ કે બાળકને રૂ. ૧૫૦૦૦માં મંજુલાબહેને રીનાબહેન અને પ્રવીણભાઇને વેચ્યું હતું. જે ગેરકાયદેસર હતું. એ પછી કાયદેસર કાર્યવાહી થઈ રહી છે.