સુરતઃ દેશના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે આતંકવાદને લઈને પાકિસ્તાનને ખુલ્લી ચેતવણી આપી છે. રાજનાથ સિંહે સુરતમાં કહ્યું હતું કે, પાકિસ્તાને આતંકવાદ રોકવો જ પડશે, નહીં તો તેના બે ટુક્ડા થતાં કોઈ જ રોકી નહીં શકે. આ સાથે તેમણે કહ્યું હતું કે, કાશ્મીરને લઈને પાકિસ્તાને દુનિયાભરને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો પણ કોઈએ ભાવ જ આપ્યો નહીં.
સુરતનાં ઇનડોર સ્ટેડિયમમાં ૧૪મીએ રાત્રે શહીદોને શ્રદ્ધાંજલિ આપતો અને શહીદ જવાનોના પરિજનોની સહાય માટેનો કાર્યક્રમ યોજ્યો હતો. કાર્યક્રમમાં રાજનાથ સિંહે જણાવ્યું હતું કે, હવે જો પાકિસ્તાન સાથે વાત થશે તો ફક્ત આતંક ખતમ કરવા અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના મુદ્દે જ થશે. પાડોશી દેશ આતંકની પ્રવૃત્તિ બંધ નહીં કરે ત્યાં સુધી કોઇ વાતચીત ભારત તરફથી થશે નહીં. તેમણે પાકિસ્તાનને ચીમકી આપી કે, પાકિસ્તાન સાથે ફકત આતંક નાબૂદીના મુદ્દે જ વાત કરવા માટે ભારત ઈચ્છુક છે. અન્ય કોઇ મુદ્દે ચર્ચા થશે નહીં. પાકિસ્તાન સમગ્ર વિશ્વમાં કાશ્મીરી પ્રજાની ચિંતા કરે છે, પરંતુ પાકિસ્તાનમાં આંતર વિગ્રહ વકરી રહ્યો છે. બલુચ, પુખ્તન સહિતની મુસ્લિમ પ્રજા સહિત શીખ, ઈસાઈ અને હિન્દુ પ્રજા ત્યાં કેટલી અસુરક્ષિત છે? પાકિસ્તાનના અગાઉ બે ટુકડા થયા છે અને ભવિષ્યમાં ધર્મના નામે ઉશ્કેરણી કરશે તો વધુ ટુકડા પણ થઈ શકે છે એ વાત પણ પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન સાંભળી લે. રક્ષા પ્રધાને જણાવ્યું હતુ કે, દેશનાં વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ કાશ્મીરમાંથી ૩૭૦ની કલમ રદ કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. હવે ભારતની સાથે કાશ્મીરમાં એક જ કાયદો હશે અને રાષ્ટ્રધ્વજ પણ એક જ ફરકશે, પરંતુ પાડોશી દેશને ૩૭૦ની કલમ રદ કરવાની વાત પસંદ નથી. તેઓ કાશ્મીરની પ્રજાના વિકાસની બાબત પચાવી શકતા નથી.
સંયુક્ત રાષ્ટ્ર, માનવઅધિકાર મંચ અને આંતરરાષ્ટ્રીય સમુદાય સમક્ષ પાડોશી દેશ ખોટો પ્રચાર અને રજૂઆત કરી રહ્યો છે, પરંતુ દરેક બાબતમાં તેને જાકારો મળતાં હવે વિશ્વ સામે તે દેશ ખુલ્લો પડી ગયો છે. વિશ્વનાં દેશો સત્યને જાણી ચૂક્યા છે. પાકિસ્તાનના વડા પ્રધાને પીઓકેમાં સભાને સંબોધન કર્યું હતું, પરંતુ ભારતના વીર જવાનોને લીલી ઝંડી આપીશું તો શું હાલત થશે? એ અકલ્પનીય છે. કાશ્મીર ભારતનું અવિભાજ્ય અંગ છે અને રહેશે.