કેવડિયા કોલોનીઃ નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની નજીક સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કેવડિયા નજીક ખલવાની ખાતે પશ્ચિમ ભારતની પ્રથમ રિવર રાફ્ટિંગ સુવિધાનો પ્રારંભ કરાવ્યો હતો. આગામી દિવાળી કેવડિયામાં પ્રવાસીઓ ઊજવે અને પ્રકૃતિ અને સાહસિક પ્રવાસનનો આનંદ માણે એવો અનુરોધ કરતા મુખ્ય પ્રધાને કહ્યું કે, ૧લી સપ્ટેમ્બરથી રિવર રાફ્ટિંગની સુવિધા લોકો માટે કાર્યરત થઈ જશે. દુનિયાભરમાં રિવર રાફ્ટિંગ ખૂબ જ લોકપ્રિય છે અને વિશ્વના પ્રવાસીઓ એનો આનંદ માણવા પ્રવાસ કરે છે ત્યારે ખલવાની ઇકો ટૂરિઝમ સેન્ટરની આ સુવિધા મોટી સંખ્યામાં પ્રવાસીઓને આકર્ષશે. આ સુવિધાનો વિકાસ ઉત્તરાખંડના નિષ્ણાતોની મદદથી કરવામાં આવ્યો છે. આ સ્થળે બારેમાસ ૬૦૦ ક્યુસેક્ જેટલો જળ પ્રવાહ રહે છે. એટલે યુવાનો રેપિડ અને એક્સાઇટિંગ રાફ્ટિંગની મજા માણી શકશે.