ભાજપ સરકારના વિકાસના દાવાની પોલ ખોલવાના ઇરાદા સાથે ચોથી જૂને પ્રદેશ કોંગ્રેસ દ્વારા સુરતના વરાછા રોડ પર હીરાબાગ ખાતે લોકદરબારનું આયોજન કરાયું હતું. જોકે આ લોકદરબારમાં પાસના કાર્યકરો હાવિ થઈ જતાં લોકદરબાર પાટીદારોની સભા જેવો બની ગયો હતો. તેમાં પણ પાસના કન્વિનર ધાર્મિક માલવિયાને બોલવા નહીં દેવાતા કોંગ્રેસ અને શંકરસિંહ વાઘેલા સહિતના નેતાઓની હાય હાય બોલાવતા સૂત્રોચ્ચાર કરાયા હતા. કપડવંજથી કોંગ્રેસે શરૂ કરેલા લોકદરબારની હારમાળા અંતર્ગત ચોથીએ સુરતમાં વરાછામાં લોકદરબાર યોજાયો હતો.
• ફ્લાઈટ મોડી પડતાં સાંસદ દર્શના જરદોશની પબ્લિક રિમાન્ડઃ શુક્રવાર, શનિવાર અને રવિવાર એમ સપ્તાહમાં ત્રણ દિવસ ચાલતી એર ઈન્ડિયાની મુંબઈ-સુરત ફ્લાઈટ પાંચમી જૂને ચાર કલાક મોડી પડતાં પેસેન્જરોએ સુરતના સાંસદ દર્શના જરદોશનો એરપોર્ટમાં જ ઘેરાવો કરી રોષ ઠાલવ્યો હતો.
• આફ્રિકા મોકલવાના નામે ૯૦ લોકો સાથે છેતરપિંડીઃ ક્રાઈમ બ્રાન્ચે ૫મી જૂને બપોરે ઘોડદોડ રોડ ગોકુલમ ડેરી પાસેથી ૩૩ વર્ષીય વિમલ ઉર્ફે અશ્વિન ઉર્ફે પાઠક ઉમેદ પટેલને ઝડપી લીધો હતો. પોલીસને બાતમી મળી હતી કે આ શખસ વરાછા લંબેહનુમાન રોડ ઉપર સંતોષી નગરમાં ચાલતી પટેલ એન્ટરપ્રાઈઝ દ્વારા આફ્રિકા મોકલવાના બહાને લાખોની ઠગાઈ કરતો હતો.