ગોલ્ડ કોસ્ટઃ ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટમાં ચાલી રહેલી કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનો શાનદાર દેખાવ જારી રહ્યો છે. ભારતે સોમવારે ૩ ગોલ્ડ, બે સિલ્વર, બે બ્રોન્ઝ એમ કુલ સાત મેડલ હાંસલ કર્યા હતા. આ સાથે જ ભારતે મેડલ ટેબલમાં કુલ ૨૧ મેડલ મેળવ્યા છે, જેમાં ૧૧ ગોલ્ડ, ૪ સિલ્વર, ૬ બ્રોન્ઝ સાથે મેડલ ટેબલમાં ત્રીજું સ્થાન મેળવી લીધું છે. યજમાન ઓસ્ટ્રેલિયા ૩૯ ગોલ્ડ સાથે મેડલ ટેબલમાં મોખરે છે.
ભારતને સોમવારે ગોલ્ડ મેડલ અપાવવામાં સુરતના પ્રતિભાશાળી ટેબલ ટેનિસ પ્લેયર હરમિત દેસાઇએ પણ મહત્વની ભૂમિકા અદા કરી હતી. ટેબલ ટેનિસની મેન્સ ટીમ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતનારી ભારતીય ટીમમાં હરમિત દેસાઇનો પણ સમાવેશ થતો હતો.
મેન્સ ડબલ્સની ફાઇનલમાં હરમિત દેસાઇ-સથિયન જ્ઞાનશેખરને નાઇજીરિયાના એબિઓદિન-ઓમાટાયો સામે ૧૧-૮, ૧૧-૫, ૧૧-૩થી વિજય મેળવીને ભારતને અજેય સરસાઇ અપાવી હતી.
અગાઉ રવિવારે ભારતની મહિલાઓએ પણ ટેબલ ટેનિસની ટીમ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતીય ટીમે મલેશિયાને ૩-૧થી હરાવીને બેડમિન્ટન મિક્સ ટીમ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ કબ્જે કરી લીધો છે.
ભારતની ટીમમાં સાયના નહેવાલ, કિદામ્બી શ્રીકાંત, અશ્વિની પોનપ્પા અને સાત્વિક રાનકીરેડ્ડીનો સમાવેશ થતો હતો. આ ઉપરાંત મેન્સ
૧૦ મીટર એર પિસ્તોલ ઇવેન્ટમાં જીતુ રાયે ગોલ્ડ જ્યારે ઓમ મિથારવલે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
ઉલ્લેખનીય છે કે જીતુ રાયે ૨૦૧૪ની કોમનવેલ્થ ગેમ્સમાં પણ ૫૦ મીટર એર પિસ્તોલ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.