વલસાડ: વલસાડમાં એક કન્યાના ૨૭ નવેમ્બરે લગ્ન લેવાઇ રહ્યા હતા ત્યારે જ પહોંચેલી હેલ્થ ચેકિંગ ટીમે મંડપમાં પહોંચી શરૂ કરેલી તપાસમાં કન્યા કોરોના પોઝિટિવ જણાતા તેને સીધી જ પિતાના ઘરમાં હોમ કવોરેન્ટાઇન કરી દેવાઇ હતી. જોકે આ પહેલાં અધિકારીઓએ યોગ્ય તકેદારી જાળવીને લગ્નવિધિ સંપન્ન કરી લેવા દીધી હતી.
કન્યા મહારાષ્ટ્રની મુલાકાતે જઇ આવી હોવાની માહિતીના આધારે હેલ્થ ટીમે તપાસ કરી હતી, જેમાં તે કોરોના પોઝિટિવ જણાઇ હતી.
વલસાડમાં મોટા બજારમાં રહેતી એક યુવતીના લગ્ન મુંબઇ ખાતે રહેતા યુવાન સાથે નિર્ધાર્યા હતા. આ માટે તે ૧૦ નવેમ્બરના રોજ મુંબઇ ખરીદી કરવા ગઇ હતી. અન્ય રાજ્યની મુલાકાત લીધી હોવાની હિસ્ટ્રીના આધારે હેલ્થ ટીમે આ યુવતીનો કોરોના ટેસ્ટ કરાવતા પોઝિટિવ આવ્યો હતો.
શુક્રવારે ખૂબ ઉત્સાહ સાથે મુંબઇથી જાન આવી પહોંચી હતી. આ દરમિયાન જ હેલ્થ ટીમે પહોંચી જઇને તપાસ હાથ ધરી હતી. જોકે સદભાગ્યે અન્યોના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા.