નવસારીઃ દાંડીવાડમાં છેલ્લા ૧૦૦ વર્ષથી આદિવાસી હળપતિ - રાઠોડ સમાજ દ્વારા લોકવાયકા મુજબ ઢીંગલાબાપાની શોભાયાત્રા નીકળે છે. માનતાનાં તહેવાર સમાન શોભાયાત્રા અને મેળાના પ્રસંગે ઢીંગલાબાપાના દર્શન કરવા દક્ષિણ ગુજરાતના આદિવાસીઓનો ઘોડાપુર ઉમટી પડે છે. આ વર્ષે કોરોના મહામારીને કારણે ઢીંગલાબાપાની શોભાયાત્રાનું આયોજન સાદગીપૂર્વક થયું હતું અને દર્શનાર્થીઓ અને માનતા ચડાવવા આવનારાઓને દાંડીવાડ ન આવવા અપીલ અગાઉ કરાઈ હતી.
ઢીંગલાબાપા જોઈને જજોઃ ખારા પાણીમાં ચોર છે
દાંડીવાડમાં ઢીંગલાબાપાની શોભાયાત્રાની લોકવાયકા અને માનતાનાં તહેવાર તરીકે ઉજવણી થાય છે. ૧૧૦ વર્ષ પહેલાં પ્લેગ કે કોલેરા જેવા રોગની મહામારીના પગલે માનવના આકારની પ્રતિમા બનાવીને તેને ભોગ ધરાવવાની લોકપરંપરા શરૂ થઈ હતી. લગ્નમાં જે વિધિઓ હોય તેવી ત્રણ દિવસની વિધિ આ ઉત્સવમાં થાય છે. ઢીંગલાબાપાને પીઠી ચોળવી અને શાંતકની વિધિ પણ એમાં સામેલ હોય છે. અષાઢી અમાસ એટલે કે દિવાસાના દિવસે ઢીંગલાબાપાની પ્રતિમાની શોભાયાત્રા નીકળે છે અને તેમાં બહેનો પણ જોડાય છે. લગ્નનાં ગીતો ગવાય છે. આ શોભાયાત્રામાં ‘ઢીંગલાબાપા જોઈને જજો... ખારા પાણીમાં ચોર છે’ જેવા જૂના આદિવાસી ગીતો ગાઈને દાંડીવાડથી શોભાયાત્રા નીકળે છે.
કહારવાડ-ગોલવાડથી ફરી પારસીવાડ અને ત્યાંથી પરત દાંડીવાડમાં આવેલી દક્ષિણી પૂર્ણામાં તેનું વિસર્જન થાય છે. આ વિધિ છેલ્લા ૧૦૦ વર્ષથી ચાલતી આવી છે, પરંતુ આ વર્ષે કોરોના મહામારીને પગલે આ શોભાયાત્રા સાદાઈથી અને સોશિયલ ડિસ્ટન્સ સાથે નીકળશે એવી જાહેરાત આદિવાસી સમાજે કર્યાં સાથે ભક્તોને શોભાયાત્રામાં ન આવવા અપીલ પણ કરાઈ હતી. દર વર્ષે ભરાતા મેળાનું આયોજન પણ આ વર્ષે રદ કરાયું હતું.