સુરતઃ સરસાણા ડોમમાં ચેમ્બર દ્વારા આયોજિત સ્પાર્કલ-૨૦૧૮ એક્ઝિબિશનમાં ૬ લાખના ડાયમંડની ચોરીનો ભેદ ક્રાઈમ બ્રાંચે ગણતરીના કલાકોમાં જ ઉકેલી નાંખ્યો હતો. ચોરી કરનાર પ્રભુનાથ મિશ્રા એન્જિનિયરિંગ કોલેજમાં માસ્ટર ડિગ્રી ધરાવે છે. તે ઉત્તર પ્રદેશ પછી મુરાદાબાદ સ્થિત આઇએફટી યુનિવર્સિટીમાં લેકચરર હોવાનું પણ પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું.
સરસાણામાં ચેમ્બર આયોજિત સ્પાર્કલ ૨૦૧૮માં ૩૫૦ સીસીટીવી કેમેરા વચ્ચે ડાયમંડની ચોરી થઈ હતી. તેજ ડાયમંડના સ્ટોલમાં ગ્રાહકના સ્વાંગમાં પ્રવેશેલો ભેજાબાજ રૂ. ૬ લાખના હીરા ચોરી નાસી છૂટ્યો હતો. આ અંગે ખટોદરા પોલીસમાં ગુનો નોંધાયો હતો. સ્પાર્કલમાં ચોરી કરનાર પ્રભુનાથ વિરેન્દ્રદેવ મિશ્રા (ઉ. વ. ૩૮)ને કડોદરાથી ક્રાઈમ બ્રાંચે પકડી લીધો. તેની પાસેથી ચોરી કરેલા ૯૯.૧૩ કેરેટ વજનના હીરા કબજે લેવાયા હતા. પ્રભુનાથે સુલતાનપુરના કેએનઆઈટીમાં એમટેકનો અભ્યાસ કરેલો છે. એન્જિનિયરિંગમાં માસ્ટર ડિગ્રી ધરાવનાર પ્રભુનાથ રોબોટિક્સ અને મેકાટોનિક્સ વિષયો વિદ્યાર્થીઓને ભણાવતો હતો.