સુરત મનપા દ્વારા ભારત દેશના પ્રથમ એવા ક્લાઈમેટ ચેન્જ ટ્રસ્ટની રચના કરાઈ છે. આ ટ્રસ્ટ છેલ્લાં પાંચ વર્ષથી સુરતના વિકાસ માટે કામ કરી રહ્યું છે. ક્લાઈમેટ ચેન્જ વિષયે સિંગાપોરમાં આયોજિત અર્બન ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ક્લાઈમેન્ટ ચેન્જ તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટનાં પાંચ દિવસીય તાલીમ શિબિર માટે વિશ્વના અલગ અલગ દેશોમાંથી ઝડપથી વિકાસ પામતાં શહેરોની પસંદગી થઈ હતી જેમાં ભારત દેશમાંથી એક માત્ર સુરત શહેરની પસંદગી કરાઈ હતી.
• છ ધાડપાડુઓને એક મહિલા ભારે પડીઃ નવસારીમાં પોતાની ઝવેરાતની દુકાન મહાકાળી જ્વેલર્સમાં તારીક પટેલ બપોરે ૨.૩૦ વાગ્યાની આસપાસ બેઠા હતા ત્યારે બે ધાડપાડુઓ દુકાનની બહારની તરફ ઊભા અને બાકીના ચાર દુકાનમાં ઘૂસી આવ્યા. એક જણે પટેલને લમણે અને એકે તેમનાં પત્ની સીમાબહેનને લમણે ગન તાકી દીધી હતી. અન્ય બે દુકાનમાં હાજર ધાડપાડુઓએ ત્રણ પૈકી બે કર્મચારી યુવતીઓને છરા બતાવીને ડરાવી. એ પછી માત્ર પાંચ જ મિનિટમાં તમામ દાગીના તથા રોકડ રકમ થેલામાં ભરીને દુકાનની પાછળથી ભાગવા ગયા ત્યારે સીમાબહેને એક ધાડપાડુને પકડી રાખ્યો અને બૂમાબૂમ કરી મૂકી. દરમિયાન આજુબાજુના લોકોએ ઘટનાની પોલીસને જાણ કરી હતી અને સૂરજ યાદવ નામની વ્યક્તિએ પોલીસ પૂછપરછમાં મુદ્દામાલ તથા તેના સાગરીતો વિશે જાણ કરતાં તમામ મુદ્દામાલ સાથે બાકીના પાંચની ધરપકડ કરી હતી.
• મેડિકલમાં પ્રવેશને બહાને રૂ. ૧૧ લાખની ઠગાઈઃ વડોદરામાં સ્વામિનારાયણ એજ્યુકેશન ગાઈડલાઈન નામની ઓફિસ ચાલુ કરીને રજનીશકુમાર તિવારી ઉર્ફે નીતિન શર્મા અને બ્રિજેશ ઓમપ્રકાશ તિવારીએ અંકલેશ્વરના કુંતલ કરુણાસિંધુ પસારીની પુત્રી શ્રેષ્ઠાને ઇન્દિરા ગાંધી ગવર્નમેન્ટ કોલેજ નાગપુરમાં પ્રવેશ અપાવી દેવાની લાલચ આપીને રૂ. ૧૧ લાખની ઠગાઈ કરી હતી.
• લકઝરીને અકસ્માત નડતાં ૪૦ મુસાફરોને ઈજાઃ કપરાડા તાલુકાના કંુભઘાટ ઉપર નાસિકથી નાનાપોંઢા તરફ આવી રહેલી ચૌધરી પરિવાર ટ્રાવેલ્સની લક્ઝરી બસની બ્રેક ફેઇલ થઈ જતાં ડ્રાઈવરે સાવચેતીથી બસને એક આંબાની વાડીમાં ઉતારી દીધી હતી. છતાં બસમાં બેઠેલા ૪૦થી વધુ મુસાફરોને ઈજાઓ પહોંચી હતી. આ ઘટનાના કારણે આજુબાજુના રહેવાસીઓ સ્થળે દોડી આવ્યા હતા અને ઘાયલોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.