ઓલપાડઃ ટકારમાં ગામના ખેડૂત ગિરીશભાઈએ ખેતી લાયક પણ વેરાન પડી રહેલી જમીનમાં અરબના દેશોમાં તેમજ ગુજરાતના કચ્છ, સૌરાષ્ટ્ર અને બનાસકાંઠામાં જેનો પાક લેવાય છે એવી બરહી ખારેકની સફળ ખેતી કરી બતાવી છે. ખેડૂત કહે છે કે, આ જમીનમાં મોટા પાયે ક્ષાર હોવાથી વર્ષોથી જમીન વેરાન હાલતમાં જ પડી રહી હતી. આ જમીનમાં ઘાસ પણ ઊગતું નહોતું. જ્યારે ખેડૂતે આ જમીનમાં ખારેકનું વાવેતર કરવાનું કહ્યું ત્યારે બધા તેની મજાક પણ ઉડાડતા અને સમયનો અને પૈસાનો વેડફાટ કરી રહ્યો છે તેવું પણ કહેતા હતા. જોકે સુરત નજીકની જમીનમાં પણ ખારેક થઈ શકે તેનું ઉદાહરણ પૂરું પાડવા સાથે ખેડૂતે સુરત જિલ્લામાં ખારેકની સફળ ખેતી કરવાનું સાબિત કર્યું છે.
આ ખેડૂતે ખારેકનાં છોડ ૩૫૦૦થી ૪૦૦૦ ટીડીએસ વાળા પાણીમાં પણ સરળતાથી ઉગતી હોવાનું જાણી તેમણે ખારેકનો પાક લેવાનું નક્કી કર્યું હતું. ખારેકના એક રોપાની બજાર કિંમત ૨૪૦૦ રૂપિયા થાય છે. જેમાં સરકાર ૫૦ ટકા સબસિડી આપે છે. આ એક રોપો ૧૨૦૦ રૂપિયાની કિંમતમાં પડે છે. આજથી છ વર્ષ પહેલાં ૨૬૦ જેટલા રોપાનું વાવેતર ખેડૂતે કર્યું હતું. સરેરાશ ૭૦ વર્ષનું આયુષ્ય ધરાવતી ખારેકની ખાસિયત એ છે કે જેમ-જેમ તેની ઉંમર વધે તેમ તેના ઉત્પાદનમાં વધારો થતો જોવા મળે છે. ગિરીશભાઈએ સજીવ ખેતી પદ્ધતિ અપનાવી આ સિઝનમાં એક ઝાડ પર આશરે ૧૦૦ કિલો સુધીનો પાક લીધો હતો.