અમદાવાદઃ ગુજરાત જમીન વિકાસ નિગમ લિમિટેડ આણંદના ફિલ્ડ આસિસ્ટન્ટ વર્ગ-૩ના અધિકારી ધીરુ બબાભાઇ શર્મા પાસેથી રૂ. ૮ કરોડથી વધુની અપ્રમાણસર મિલકત મળી આવતાં એસીબીએ તેમની વિરુદ્વ અપ્રમાણસરનો ગુનો દાખલ કર્યો છે. એન્ટિ કરપ્શન બ્યુરો (એસીબી)ને ગુજરાત જમીન વિકાસ નિગમ લિ.માં ફિલ્ડ આસિ. (વર્ગ-૩) તરીકે નોકરી કરતા ધીરુ શર્માની વિરુદ્વમાં ફરિયાદો મળી હતી.
એ પછી એસીબીએ તપાસ કરી તો જાણવા મળ્યું હતું કે, તેમની કાયદેસરની આવકના દેખીતા સાધનોમાંથી થયેલી કુલ આવક ૨.૨૬ કરોડની સામે તેમણે કુલ ખર્ચ રૂ. ૧૦.૩૧ કરોડ કર્યો હતો.
આમ આવક કરતાં ૮.૪ કરોડથી વધુ અપ્રમાણસર મિલકતો વસાવી હોવાનું બહાર આવ્યું હતું. જે તેમની કાયદેસરની આવક કરતાં ૩૫૬.૫૬ ટકા જેટલી વધુ છે.
સત્તાનો દુરુપયોગ કરી ધીરુ શર્માએ નડિયાદ પાસે જલાશ્રય નામનો વૈભવી રિસોર્ટ પણ બનાવ્યો હોવાનું ખૂલ્યું છે.
આ ઉપરાંત તેનો વિશાળ બંગલો જલાશ્રય પણ બેનામી સંપત્તિમાંથી ઊભો કરાયો હોવાની પણ તપાસ ચાલે છે. અધિકારીઓએ હાલ તેનો બંગલો અને રિસોર્ટ સીલ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.