અમદાવાદઃ કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાત સ્થાપના દિને ગુજરાતમાં જનસભા સંબોધશે. ભરૂચ જિલ્લાના ડેડિયાપાડામાં આદિવાસી જનઅધિકાર સભાને રાહુલ ગાંધી સંબોધન કરશે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના આમંત્રણનો રાહુલ ગાંધીએ સ્વીકાર કરીને ગુજરાત મુલાકાત લેવાનું નક્કી કર્યું છે.
રાજ્યના કોંગ્રેસ કાર્યકર્તાઓના જણાવવા મુજબ, પહેલી મેએ રાહુલ ગાંધીની સભામાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થાય તે માટે પ્રદેશ કોંગ્રેસે અત્યારથી જ તૈયારી આદરી છે. રાહુલ જનસભામાં આદિવાસીઓને સરકાર જમીનના અધિકાર આપવામાં નિષ્ફળ નીવડી છે તે સહિત ગુજરાત અને કેન્દ્ર સરકારની કામગીરી પર માછલાં ધોશે. આદિવાસી મતક્ષેત્રમાં કોંગ્રેસની પકડ મજબૂત થાય તે માટે આ જનસભાનું આયોજન કરાયું છે. ગુજરાત વિધાનસભામાં આદિવાસી અનામત બેઠકોની સંખ્યા ૨૭ છે, જે પૈકી ૧૫ બેઠકો કોંગ્રેસ પાસે છે. આ બેઠકોમાં ગાબડું ન પડે અને બેઠકો વધે તે આશયે કોંગ્રેસે જનસભા સિરીઝ શરૂ કરી છે.