ભરૂચ: નર્મદા નદીમાં શરૂ થયેલી રાજ્યની સૌ પ્રથમ ફ્લોટિંગ રેસ્ટોરાં અમાસની ભરતીમાં દરિયામાં ઉછળેલાં ૧૦ ફૂટ ઊંચા મોજામાં પાણીમાં ડૂબી ગઈ છે. ૫૦૦ ટનથી વધારે વજન ધરાવતી ક્રૂઝ પાણીના પ્રવાહને કારણે કિનારાથી ૬૦ મીટર અંદર સુધી નદીમાં ચાલી ગઈ છે. ચોમાસું હોવાને કારણે તેને ભાડભૂત નજીક દોરડાથી બાંધી લાંગરવામાં આવી હતી. રાજ્યની પ્રથમ ફ્લોટિંગ રેસ્ટોરન્ટ ઉનાળામાં પાણીના અભાવે પહેલાં કીચડમાં ફસાઈ હતી તો ચોમાસામાં વધારે પાણીથી ડૂબી ગઈ છે.
બોટને બચાવવાના પ્રયાસો
ચોમાસું હોવાથી મિની ક્રૂઝને ભાડભૂત નજીક લંગારવામાં આવી હતી. દરિયામાં ૧૦ ફૂટ મોજા ઉછળતા બોટમાં પાણી ભરાવાની શરૂઆત થઈ હતી અને એકદમ ઊંધી થઈ ગઈ હતી. જે સ્થળે બોટ ડૂબી તે સ્થળ દરિયાથી ૧૭ કિમી જેટલું દૂર છે, પણ દરિયો તોફાની હોવાથી આ ઘટના બની છે. બોટને બહાર કાઢવા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.