વલસાડઃ જિલ્લાના દરિયાકાંઠે વસેલા માછીમારોના મગોદ ડુંગરી ગામમાં ૨૫૦ વર્ષથી વહેલ માછલીનું મંદિર આવેલું છે, જયારે પણ માછીમારો દરિયો ખેડવા જાય ત્યારે આ અનોખા મત્સ્ય મંદિરમાં અચૂક પ્રાર્થના કરે છે. આ મંદિર માત્ર મગોદ ડુંગરી ગામના લોકોનું જ નહીં દરિયાકિનારાના આજુબાજુના ગામના લોકોમાં પણ આસ્થાનું કેન્દ્ર છે. સ્થાનિક લોકો વહેલ માછલીના આ મંદિરને મત્સ્ય માતાજી કહે છે. ગામના વડીલોના જણાવ્યા મુજબ ૨૫૦ વર્ષ પહેલાં મગોદ ડુંગરી ગામના પ્રભુ ટંડેલને સ્વપ્ન આવ્યું કે, ગામના પાદરે એક વહેલ માછલી તણાઇને આવશે જે મૃત હાલતમાં પડી હશે. આ માછલીની સ્થાપના કરીને પૂજા કરશો તો તમારું કલ્યાણ થશે. સવારે ગામ લોકોને પોતાને આવેલા સપનાંની વાત પ્રભુભાઇએ કરી તો લોકોએ તેમની વાત માનવાનો ઇનકાર કરી દીધો. તેમછતાં પ્રભુભાઇએ આવેલા સપનાં મુજબ ખાતરી કરવા માટે દરિયાકાંઠે જઇને જોયું તો વિશાળ વહેલ માછલીનો મૃતદેહ દરિયાકાંઠે પડયો હતો. હવે ગામના લોકોને તેમની વાત ના માનવાનું કોઇ કારણ ન હતું. ગ્રામજનોએ પ્રભુ ટંડેલની વાતચે સહમત થયા વહેલ માછલીનું મંદિર બનાવ્યું. સમયાંતરે લોકોની આસ્થા મંદિરમાં વધતી ગઇ અને આજે દરિયામાં દરેક માછીમાર દરિયો ખેડવા જતાં પહેલાં મંદિરમાં માથું ટેકવીને પછી જ દરિયામાં જાય છે.