સુરતઃ હીરાબજારમાં ચાલી રહેલી ચર્ચા પ્રમાણે ગુજરાતનો અને લાંબા અરસાથી હોંગકોંગમાં સ્થાયી થયેલો હીરા વેપારી હોંગકોંગની એક ડાયમંડ કંપનીમાં નોકરી કરતો હતો. જેણે સંબંધો વિકસાવી ગુજરાતી હીરા વેપારીઓ સાથે ડાયમંડ ટ્રેડિંગનું પણ કામ શરૂ કર્યું હતું.
મહદઅંશે ફેન્સી ડાયમંડનું કામ કરતા આ વેપારીએ તાજેતરમાં લેણદારોને પેમેન્ટ ચૂકવવા અસમર્થતા દર્શાવી છે જેની પાસે લેણદારોના પાંચથી છ મિલિયન ડોલર એટલે કે અંદાજે રૂ. ૩૫ કરોડના પેમેન્ટ સલવાયાની ચર્ચા છે. હાલમાં તો હોંગકોંગના ડાયમંડ વેપારીઓની મોટી રકમ સલવાયાની ચર્ચા છે.
જોકે, આ વાતને લઇને મુંબઇ અને સુરતના હીરાબજારમાં પણ હીરાવેપારીઓ ચિંતામાં મુકાયા છે. વધુમાં ચાલી રહેલી ચર્ચા પ્રમાણે, વેપારી દ્વારા વિશ્વાસ સંપાદન કરવા ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોમાં હાજરી આપી સંબંધો વિકસાવાયા હતા. ઉપરાંત કેટલીક મોટી ડાયમંડ કંપનીઓ સાથે તેનું ડાયમંડ ટ્રેડિંગ પણ હોવાનું દર્શાવાતું હતું.