આણંદઃ ખંભાતમાં રહેતા વિદ્યાર્થી પીનલ ગોપાલભાઈ રાણાએ ‘ગેટ’ની પરીક્ષા પાસ કરવામાં દેશમાં છઠ્ઠો ક્રમ મેળવ્યો છે. સાવ સામાન્ય ઘરના પીનલને અત્યારથી જ વિવિધ કંપનીઓ દ્વારા મોટા પેકેજની ઓફર શરૂ થઈ છે.
પીનલ રાણાએ જણાવ્યું કે, મેં મારું શિષણ ધો. ૧થી ૧૨ ગુજરાતી માધ્યમમાં જ કર્યું છે. તે પણ સરકારી શાળામાં. હા માત્ર ધ્યેય એ કે ભારતની પ્રથમ નંબરની ઇન્સ્ટિટ્યૂટ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં પ્રવેશ લેવો અને ભવિષ્યમાં ઉત્તમ પ્રોડકશન મેનેજર બનવું. મેં માધ્યમિક શિક્ષણ ખંભાતની એસ. ઝેડ. વાઘેલા સ્કૂલમાંથી મેળવ્યું હતું. ધો ૧૨માં સાયન્સ લીધું. વિદ્યાનગર બીબીએમ એન્જિનિયરિંગ કોલેજમાં પ્રોડકશન એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએશન કર્યું. મેં આઈઆઈટીમાં પ્રવેશ માટે એન્ટ્રન્સની તૈયારીઓ ક્યારનીય આરંભી હતી. સરકાર અનુદાનિત શાળામાં ભણવાનો ફાયદો એ થયો કે અહીં તમામ વર્ગના બાળકો સાથે ભણતો એટલે ક્યારેય મને મારી ગરીબીનો અહેસાસ થયો જ નથી.
પીનલના પિતા ગોપાલભાઈ ગેરેજમાં ફોરમેન તરીકે કામ કરે છે તેઓ કહે છે કે, અમે ૫૦ વર્ષથી એક જ રૂમનાં ભાડાના મકાનમાં રહીએ છીએ. મારા ગેરેજ પર આવતા લોકોનું સાંભળીને મેં નક્કી કર્યું હતું કે પીનલને ભણાવું. હું ભણ્યો નહોતો, પરંતુ ગેરેજ પર ઓવરટાઇમ કરીને પુસ્તકો ખરીદતો હતો.