નવસારીઃ જલાલપોર તાલુકના મરોલી ગામમાં આવેલી હરિઓમ સોસાયટીમાં રહેતા સિવિલ એન્જિનયિર બકુલભાઈ પટેલ અને તેમના પરિવારે થોડા વર્ષે અગાઉ વાવાઝોડામાં પાંચ દિવસો સુધી અંધારપટમાં રહેવું પડ્યું હતું. આ સ્થિતિનો સામનો કરવા બકુલભાઈ પટેલે સૌરઊર્જા સહિત અન્ય કુદરતી સ્રોતોનો ઉપયોગ શરૂ કરીને વીજળી ઉત્પન્ન કરી છે. શરૂઆતમાં જોકે બકુલભાઈ મોંઘી સૌર ઊર્જાના ખર્ચથી થોડા ખચકાયા હતા , પણ પાછળથી તેમણે સૌરઊર્જા પર જ આધાર રાખવાનો નિર્ધાર કર્યો. બુકલભાઈએ ઘરમાં રૂ. ૭ લાખના ખર્ચે ૫ કે.વી.એના બે સોલર યુનિટ ફિટ કરાવ્યા. આજે ઘરના તમામ ઇલેક્ટ્રિક અને ઇલેક્ટ્રોનિક ઉપકરણો સૌરઊર્જાની મદદથી ચાલે છે. જેના કારણે બકુલભાઈએ વીજકંપની તરફથી મળતી વીજળી પણ બચાવી છે. તેમના ઘરે અતિસામાન્ય લાઇટબિલ આવે છે. કુદરતી સ્રોતોથી ઘરમાં જ વીજળી ઉત્પન્ન કરવાના સફળ પ્રયોગ પછી તેમણે પોતાના ખેતરમાં પણ કુદરતી સ્ત્રોત થકી વીજળી ઉત્પન્ન કરીને સિંચાઈ માટેના સાધનો ચલાવવાનો પ્રયોગ હાથ ધર્યો. બકુલભાઈને તેમના પ્રયોગમાં સફળતા મળી. આજે તેમના ખેતરમાં ફિટ કરાયેલા સબમર્સિબલ પંપ અને અન્ય કેટલાક સાધનો સૌરઊર્જાથી ચાલે છે. આ ઉપરાંત તેઓ પોતાના ખેતરમાં સજીવખેતીથી શાકભાજી અને ફળોની ખેતી કરે છે. તેમણે ઘરમાં ગોબર ગેસ પ્લાન્ટ નાંખ્યો છે અને તેમનાં ઘરમાં રસોઈ સોલર કુકરમાં જ બને છે. બકુલભાઈનો પરિવાર છેલ્લા પાંચ વર્ષથી કુદરતી સ્રોતોના સદઉપયોગ થકી ઇકો-ફ્રેન્ડલી બન્યો છે.
પિતા પાસેથી શીખ લઈ પુત્રએ સોલર બાઇક બનાવી
પિતાના પગલે ચાલતાં બકુલભાઈના સિવિલ એન્જિનિયર પુત્ર જીગર પટેલે પણ સૂર્યઊર્જાથી ચાલતી બાઈક બનાવી છે. રૂ. ૩૫ હજારના ખર્ચે જૂની બાઈકમાંથી સૂર્યઊર્જાથી ચાલતી બાઇક બનાવવા માટે જીગરે નવસારીના વેલ્ડરની મદદ લીધી હતી. આ બાઈકમાં આગળ એક અને પાછળની બંને સાઇડ એક એક એમ કુલ ત્રણ સોલર પેનલો લગાવી છે. આ બાઈક પ્રતિ કલાકે ૪૫ કિમીની ઝડપે દોડે છે. અલબત્ત, બાઈક ચાલતી હોય ત્યારે પણ તેની બેટરી ચાર્જ થતી રહે છે. વળી, રાત્રે ૬૫ કિમી સુધીનું અંતર કાપી શકાય એટલું બેક અપ પણ રહે છે.