સુરતઃ શહેરના વરાછા વિસ્તારમાં એક માતા અને તેના ત્રણ સંતાનો માટે નવ ઓગસ્ટની સવાર ભયાવહ રીતે ઉઘડી હતી. ઘરના મોભીએ જ મીઠી નિંદર માણી રહેલા પોતાના ત્રણ સંતાન અને પત્ની પર એસિડ છાંટી દેતાં હાહાકાર મચી ગયો હતો. જલદ એસિડથી દાઝી ગયેલા ત્રણેય સંતાનો અને તેમની માતાને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરાયા છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યા અનુસાર ગૃહકંકાસ અને બેકારીથી રોષે ભરાઇને આરોપીએ આ અમાનુષી કૃત્ય આચર્યું છે.
સ્મીમેર હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યા પ્રમાણે, વરાછા રોડ પર અર્ચના સ્કુલ નજીક હરિધામ સોસાયટીમાં રહેતા ૪૫ વર્ષીય હંસાબેન છગનભાઈ વાળા, તેમની બે પુત્રીઓ અલ્પા (૧૮) અને પ્રવીણા (૨૫) તથા પુત્ર ભાર્ગવ (૨૧) વહેલી પરોઢે ત્રણ વાગ્યે ગાઢ નિદ્રામાં હતા ત્યારે પતિ છગનભાઈ પત્ની અને ત્રણેય સંતાનો પર એસિડ છાંટીને ભાગી ગયો હતો. એસિડ શરીર પર પડતા જ બળતરાથી પીડાતા ચારેયે ‘બચાવો બચાવો’ની બુમો પાડવા લાગ્યા હતા. આ બુમો સાંભળી તરત આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને ચારેયને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડયા હતા.
હંસાબેનના પરિવારજનો ગોડાદરા વિસ્તારમાં ધાગા-દોરાની દુકાન ધરાવે છે. છગનને દારૂ પીવાની કુટેવ હોવાથી છેલ્લા ઘણા સમયથી પરિવારના સભ્યો સાથે ગૃહકંકાસ થતો હતો. જેમાં સૌથી વધુ રકઝક પત્ની સાથે થતી હતી. આ ઝઘડાથી કંટાળી જઈને તેણે પત્ની અને સંતાનો પર એસિડ છાંટયું હતું. તેનો પુત્ર ભાર્ગવ સ્મીમેર મેડિકલ કોલેજમાં એમ.બી.બી.એસ.ના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરે છે. જ્યારે બહેન અલ્પા બી.એ.ના બીજા વર્ષમાં છે. પરિવાર મૂળ જૂનાગઢ જિલ્લાના ઉના તાલુકામાં આવેલા બેડીયા ગામનો વતની છે.
છ માસ પહેલા ધમકી આપી હતી
પરિવારજનોના જણાવ્યા પ્રમાણે છગનભાઇએ છ માસ પહેલા પણ હંસાબેન અને સંતાનોને એસિડ નાખવાની ધમકી આપી હતી. વરાછા પોલીસના જણાવ્યા પ્રમાણે ગૃહકંકાસ અને બેકારીના કારણે નાણાંભીડ વર્તાતી હોવાથી તેણે આ પગલુ ભર્યું છે.