સુરત-નવાપુરઃ મહારાષ્ટ્ર, બુલથાણાના મલકાપુરથી નીકળેલી સુરતની શુભ ટ્રાવેલ્સની લક્ઝરી બસ ૨૧મી ઓક્ટોબરે કોંડાઈબારી ઘાટ નજીક ૬૦ ફૂટ નદીના ઊંડા પાણીમાં પડી જતાં ડ્રાઈવર-ક્લિનર અને ત્રણ પ્રવાસી મળી પાંચ જણાનાં મોત થયાં હતાં. જ્યારે ૩૫ પ્રવાસીને ગંભીર ઇજા થતાં નંદુરબાર તથા સુરતની હોસ્પિટલમાં ખસેડાયા હતા. કોંડાઈબારી ઘાટ પર નિર્માણાધીન પુલ પર આગળ દોડતી સુરતની જ કિંગ ટ્રાવેલ્સની બસને ઓવરટેક કરવાની લહાયમાં મધરાત્રે બે વાગ્યા આસપાસ શુભ ટ્રાવેલ્સના બસના ડ્રાઈવર વરદીચંદ સોહનલાલ મેઘવાલ ઉર્ફે પપ્પુએ પાછળથી ટક્કર મારતાં સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવી દેતાં બસ ૬૦ ફૂટની ઊંચાઈએથી નદીમાં ખાબકી પડી હતી. નદીમાં ખાબકેલી શુભ ટ્રાવેલ્સની બસમાં ફસાયેલા ઇજાગ્રસ્તોને પોલીસે સ્થાનિક લોકોની મદદથી બહાર કાઢયા હતા.