નવસારી: ‘સાથી હાથ બઢાના એક અકેલા થક જાયેગાં મિલકર બોજ ઉઠાના સાથી હાથ બઢાના’ ફિલ્મ ‘નયા દૌર’ના ગીતની પંક્તિના ભાવાર્થને સાર્થક કરતી એક ઘટનાએ નવસારીમાં આકાર લીધો હતો. જેમાં અનાવિલ સમાજનાં વલસાડનાં વિધુર અને નવસારીની વિધવાનાં ૧૧ માર્ચે પુર્નલગ્ન યોજાયા હતા. જેમાં બંન્ને પક્ષનાં ચાર પરિવારોએ સમાજને નવી દિશા ચિન્ધી છે.
સામાન્ય રીતે આપણાં રૂઢિચુસ્ત સમાજમાં વિધુર-વિધવાનાં પુનર્લગ્ન અંગે અણગમો જોવા મળે છે ત્યારે નવસારીમાં આ પ્રકારનાં એક અનોખો લગ્ન પ્રસંગ યોજાઈ ગયો હતો. જેની વિગત એવી છે કે નવસારીમાં રહેતાં દિપ્તીબેન જયેશભાઈ દેસાઈ (૪૭)નાં પતિ જયેશભાઈ દેસાઈનું ગત વર્ષે મે મહિનામાં કોરોનાનાં કારણે અવસાન થયું હતું. આમ દિપ્તીબેન વિધવા બન્યા હતા. તેમનાં સાસરે સાસુ અને દિપ્તીબેન એમ બે જ વ્યક્તિ રહ્યાં હતા. તેમના સાસુ-નણંદ અને નંણદોઈ તથા પિયરીયાંને તેમની ચિંતા થતી હતી. તેઓ ઈચ્છતા હતા કે દિપ્તીબેન યોગ્ય પાત્ર જોઈને ફરીથી સંસાર માંડે, પરંતુ માતા સમાન સાસુ એકલા થઈ જશે. તેમની ચિંતાથી દિપ્તીબેનએ આ બાબતે ધરાર નકાર પાડયો હતો.
બીજી તરફ, વલસાડ ખાતે રહેતાં વિકેનભાઈ નાયક (૫૦)નાં પત્નીનું બે વર્ષ અગાઉ દુઃખદ અવસાન થયું હતું. તેમનો એક પુત્ર વિદેશમાં સ્થાયી થયો છે. વિકેનભાઈ પણ એકલવાયુ જીવન જીવતા હતા. તેમણે પણ અગાઉ પુર્નલગ્ન માટે ના પાડી હતી! પરંત બંને પક્ષનાં ચાર પરિવારો બંનેના પુર્નલગ્ન કરાવવા સહમત હતા. અનેક વેળા સમજાવટનાં પ્રયાસો થયા હતા. જેમાં દિપ્તીબેનને તેમનાં નંણદે પોતાની માતાની છેવટ સુધી સંભાળ લેવાનું વચન આપ્યું અને લગ્ન માટે મનાવી લીધા હતા. બીજી બાજુ, વિકેનભાઈને પણ એકલવાયું જીવન નહીં જીવવા માટે સમજાવટનાં પ્રયાસો સફળ થયા હતા. ત્યારબાદ ૧૧ માર્ચે વિકેનભાઈ નાયકનાં સાસરી પક્ષનાં લોકો, તેમનાં પરિજનો તેવી જ રીતે દિપ્તીબેન દેસાઈનાં પિયરનાં લોકો અને સાસરીનો પરિવાર એમ કુલ ચાર પરિવાર અને અનાવિલ સમાજનાં અગ્રણી-મિત્રો-શુભેચ્છકોની હાજરીમાં નવસારીનાં અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ હોલમાં બંનેના પુર્નલગ્નનો શુભ પ્રસંગ યોજાયો હતો. ઉપસ્થિતોએ તેમના નવજીવન માટે અનેક શુભકામના પાઠવી હતી.