સુરતઃ આજના આધુનિક જમાનામાં લોકો કંઇક નવી પ્રવૃત્તિ કરવાનું હંમેશા વિચારતા હોય છે. સુરતના પાકટ વયના ચાર યુવાનોએ પણ અનોખી સફર ખેડવાનું વિચાર્યું છે. અંદાજે ૪૦ વર્ષના ત્રણ ડોક્ટર અને એક બિઝનેસમેન મળીને ૧લી મેએ ગુજરાત સ્થાપના દિવસે સવારે સુરત વોલ્વો શો રૂમથી વોલ્વો XC-60 કાર દ્વારા બાવન દિવસની લંડનની યાત્રાએ નીકળશે.
‘ફૂડ ફોર ઓલ’ના મેસેજ સાથે સુરતમાં આંખના ડોક્ટર રાજન દેસાઈ, એમડી ડો. અશોક પટેલ, ઓર્થોપેડિક સર્જન ડો. પરેશ પટેલ અને બિઝનેસમેન ચેતન દેસાઈ સુરતથી લંડન જવા છેલ્લા પાંચ મહિનાથી તૈયારી કરે છે. ડો. રાજન દેસાઈએ કહ્યું કે, એકવાર અમે બધા ભેગા મળીને કારમાં કંઈક લાંબી ટુર પર જવાનું વિચારતા હતા અને વિચાર છેક લંડન સુધી પહોંચ્યો હતો.’ ૧ લી જાન્યુઆરીએ પ્રથમ વિઝા યુકેના મળ્યા ત્યારબાદ ૧૫ દેશમાંથી બીલારસનાં વીઝા ૨૫ એપ્રિલે મળ્યા. જુદી સંસ્કૃતિ, ભોજન અને વાતાવરણ માણવા માટે આ ચારેય સુરતીઓએ આવા પ્રવાસનું આયોજન કર્યું છે. ૧૬,૦૦૦ કિ.મી. લાંબી સફર માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે. જેમાં જ્યારે તિબેટીયન પર ૫૦૦૦ મીટરની ઉંચાઈએથી પસાર થશે ત્યારે ઓક્સિજનની જરૂર પડશે તે માટે ડિસ્પોઝેબલ ઓક્સિજન રાખવામાં આવ્યો છે. આ ચારેય શાકાહારી હોવાથી સાથે ઝડપથી તૈયાર થાય એવું ફૂડ મેગી અને સુકો નાસ્તો પણ સાથે રાખ્યો છે. બાકી અન્ય દેશોમાં બ્રેડ અને ફ્રૂટ તો મળી રહેશે જ એવું માનીને તેઓ નીકળશે. કારની ડિઝાઈન પહાડોમાં અનુકૂળ થાય તેવી છે. માર્ગમાં, પહાડો, રણ, સ્નો ફોલીંગ વિગેરે જેવો રોમાંચનો અનુભવ માટે તમામ ઉત્સાહિત છે. આ સમગ્ર પ્રવાસમાં માત્ર એક જગ્યાએ નેધરલેન્ડ નજીક દરિયામાંથી જવું પડશે. જેમાં કારને શીપમાં મૂકીને દરિયો પાર કરાવાશે અને ત્યાંથી ફરીથી કારમાં આગળ વધશેકારમાં ફોગ લેમ્પ (હાઈડેફિનેશન), ઉપર સામાન માટે રૂફબોક્સ અને કારની ઉપર ચાર કેમેરા લગાવાયા છે જે આખી મુસાફરીને કેપ્ચર કરશે. ડો. અશોક પટેલે કહ્યું કે, દરેક દેશમાં વાતાવરણ ચેન્જ થાય એટલે કદાચ શરીરમાં થોડી-ઘણી તકલીફ થઈ શકે છે તો તેના માટેની મેડીકલ કીટ પણ રાખી છે. કારમાં બે સ્પેરવ્હીલ પણ છે. આટલી લાંબી મુસાફરીમાં લગભગ ૧૬૦૦થી ૧૭૦૦ લીટર ડીઝલ વપરાશે તેવું અનુમાન છે. બાવન દિવસની મુસાફરીમાં રોજ ૪૮૦ કિ.મી. આસપાસ કાર ચાલશે. સામાન્ય રીતે ૮૦થી ૧૦૦ કિ.મી.ની ઝડપે જ્યારે હિલ વિસ્તાર પર ૪૦થી ૪૫ કિ.મી.ની ઝડપે કાર દોડશે. યુકે સિવાય દરેક દેશમાં જમણી બાજુથી ડ્રાઈવીંગ કરવાનું રહેશે, જે પણ એક નાનકડી ચેલેન્જ સમાન હોવાનું ડોક્ટર્સે જણાવ્યું હતું. પરત ફરતી વખતે કાર શીપમાં અને સુરતીઓ ફ્લાઈટમાં આવશે.