સુરત: રાજસ્થાનથી રોજગારી માટે સુરતથી વલસાડ જઈ રહેલા ત્રણ યુવાનો ઉધના સ્ટેશન નજીક ચાલુ ટ્રેનમાંથી ઉતરીને ટ્રેક ક્રોસ કરવા જતા હતા. તે વખતે સામેથી આવતી બીજી ટ્રેનની અડફેટે આવી ચડતાં એક યુવકનું ઘટનાસ્થળે અને અન્ય બે યુવકોનું નવી સિવિલ હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું.
રાજસ્થાનના ૬ યુવકો રાજસ્થાનથી અજમેર પુરી એક્સપ્રેસ ટ્રેનમાં બેસીને વલસાડ જવા નીકળ્યા હતા. યુવકો ૧૩મીએ સવારે સુરત રેલવે સ્ટેશને ઉતરી ગયા બાદ વલસાડ જવા અન્ય ટ્રેનમાં બેઠા. જોકે ટ્રેનમાં અન્ય મુસાફરોએ યુવકોને જાણ કરી કે આ ટ્રેન સુપરફાસ્ટ હોવાથી વલસાડ ઉભી નહીં રહે. તેથી ટ્રેન ઉધના રેલવે સ્ટેશનની નજીક રઘુકુળ માર્કેટ સામે ધીમી પડતાં તમામ યુવકો ધીમી ટ્રેનમાંથી નીચે રેલવે ટ્રેક પર ઉતર્યા હતા.
જોકે રેલવે ટ્રેક ક્રોસ કરતી વખતે સામેથી આવતી બીજી ટ્રેન સાથે પ્રવીણસિંગ ધીરસીંગ રાવત (ઉ.વ. ૧૯), કુલદીપસિંઘ (ઉ. વ. ૧૮) અને પ્રવીણ નારાયણસિંઘ (ઉ. વ. ૧૮) અછડાતાં કુલદીપનું ઘટનાસ્થળે મોત નીપજ્યું અને અન્ય બેનું હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું.