નવાપુર: નંદુરબાર જિલ્લાના અક્કલકૂવા તાલુકામાં અતિવૃષ્ટિ કારણે મોલગી-અક્કલકૂવા રસ્તા ઉપર આવેલા નાના મોટા પુલ અને રસ્તા વરસાદમાં ધોવાઈ ગયા હતાં. વાહન વ્યવહાર સંપૂર્ણ બંધ થયો હતો. સાતપૂડા વિસ્તારમાં પહાડ પર રહેતા ગ્રામજનોએ પગપાળા ચાલીને ક્યાંય પણ જવું પડી રહ્યું છે.
૨૧મી ઓગસ્ટે સવારે અક્કલકૂવાના માલીઆંબા ગામની એક માતા પોતાના બીમાર દીકરાને વરસાદમાં ઊંચકીને આશરે ૧૦ કિમીથી વધારે પગપાળા ચાલીને હોસ્પિટલ પહોંચી હતી. પહાડી માતા માટે જાણે આ બહુ મોટી સમસ્યા ન હોય તેવી રીતે સ્મિત વરસાવતી જોવા મળી હતી. જોકે વિચારવાની બાબત એ છે કે એક માતાએ તેના બીમાર બાળકને આવી હાલતમાં સારવાર માટે લઈ જવું એ ઘણું બધું કહી જાય છે. નિઝરને અડીને આવેલા અક્કલકૂવામાં તાજેતરમાં જોરદાર વરસાદ પડતાં મહારાષ્ટ્ર મોલગી-અક્કલકૂવા માર્ગે પર તમામ નાના મોટા ૮ પુલ પણ તૂટી ગયા છે.