ચીનમાં રૂ. ૩૭૫૦ કરોડના હીરાની દાણચોરી પકડાઈઃ ગુજરાતના હીરા ઉદ્યોગમાં ફફડાટ

Monday 07th September 2020 09:21 EDT
 
 

સુરતઃ ચાઇના કસ્ટમે ફરી ડાયમંડ સ્મગલિંગ રેકેટ ઝડપી પાડતા ગુજરાતનાં હીરાઉદ્યોગમાં ફફડાટ પ્રસરી ગયો છે. કુલ રૂ. ૩૭૫૦ કરોડની દાણચોરી કરાઈ હોવાનું તથા આ કેસમાં કુલ ૧૨૧ જેટલા શંકાસ્પદ સામે કાર્યવાહી હાથ ધરાઇ છે.
હીરાઉદ્યોગ સાથે સંકળાયેલાઓમાં ચાલી રહેલી ચર્ચા મુજબ, ચાઇનીઝ કસ્ટમ દ્વારા ૪ ઓગસ્ટના રોજથી આ રેકેટ ઝડપી પાડવા માટે કાર્યવાહી કરાઈ રહી છે. સેન્ઝેન, શાંઘાઇ, હોંગ્ઝાઉ, બિજિંગ, હિર્બન, નેન્ઝીંગ, ઝાયમેન, વુહાન, ગોન્ઝાઉ, ચેંગડુ સહિતના શહેરમાં થયેલા શંકાસ્પદ વ્યવહારો પર નજર હતી. ઓગસ્ટમાં કુરિયર સ્ટાફ તથા તેની પત્નીની અટક કરાઈ હતી. ૧ સપ્ટેમ્બરના રોજ મધરાતે ૩ વાગ્યે ૧૨૧ જેટલા શંકાસ્પદોને ઉઠાવાયા હતા. જેમાં ૧ ભારતીય પણ હતો. જોકે, પછીથી તેને જવા દેવાયો છે. ૨૦ શહેરમાં હાથ ધરાયેલી તપાસમાં કુલ ૨૫૨૦ ડાયમંડસ્, ૪૦૦૦ કેટેટસ બ્રોકન ડાયમંડ્સ, ૧૫૮ ઇનલેઇડ જ્વેલરી, શંકાસ્પદોના મોબાઇલ ફોન્સ, કમ્પ્યુટર્સ, બુકસ ઓફ એકાઉન્ટસ તથા અન્ય દસ્તાવેજો જપ્ત કરાયા છે. અત્યાર સુધીમાં ૩.૮૮ બિલિયન યુઆનનુ ટર્નઓવર થયાનો અંદાજ છે.
હોંગકોંગ સ્થિત ભારતીય કંપનીઓની તપાસ થઈ શકે
૧૦ વર્ષ પહેલાની ઘટના બાદ ચીન-હોંગકોંગમાં કાર્યરત ભારતીય પેઢીઓ સિસ્ટમમાં કામ કરવામાં માની રહી છે. જોકે, હોંગકોંગમાં ઘણાં ભારતીયોની ડાયમંડ કંપની કાર્યરત છે. જેઓ ચીનમાં ડાયમંડ સપ્લાય કરે છે. જેઓની કંપની પર આ રેકેટમાં તપાસ થઇ શકે છે. હોંગકોંગના વેપારીઓ નિયમ મુજબ બિલ બનાવી ગુડઝનુ વેચાણ કરે છે. બાદમાં ખરીદનાર દ્વારા ચોરીછુપીથી જે તે દેશમાં ડાયમંડ લઇ જવાય છે. આ રેકેટમાં શંકાસ્પદોએ હોંગકોંગની ઘણી પેઢી પાસે ખરીદી કરી હોવાની શકયતા છે.
હોંગકોંગમાં ઘણા વેપારીઓને અસર
ચીનનું ડાયમંડ સ્મગલિંગ રેકેટ ખૂલતાં હોંગકોંગ સ્થિત ડાયમંડ વેપારીઓ દ્વારા પણ સાવચેતી રખાઈ રહી છે. બિનજરૂરી ખોટી કાર્યવાહીમાં ફસાઇ ન જવાય તથા ખોટી કાર્યવાહીનો ભોગ બનવું ન પડે તે માટે અહીંના ઘણાં હીરા વેપારીઓએ વેપાર મર્યાદિત કરી દીધો છે.
૪થી ૧૪ ટકા બચાવવા દાણચોરીનો ખેલ
જાણકારો મુજબ, હોંગકોંગ ફ્રી પોર્ટ છે. જ્યાથી કોઇપણ જાતના ટેક્ષ વિના ડાયમંડનું વેચાણ થાય છે. જ્યારે, ચાઇનાના શાંઘાઇ ડાયમંડ એક્ષ્ચેન્જમાં ૪ ટકા ટેક્ષ લાગે છે, જ્યારે ચાઈનાના સેન્ઝેનમાં ૧૪ ટકા ટેક્ષ લાગે છે. આ ટેક્ષની રકમ બચાવવા ઘણાં સ્થાનિકો દ્વારા બિલ વિના વેપાર થાય છે. જેઓ કુરિયર સ્ટાફ સાથે મળી ડાયમંડ સપ્લાય કરે છે.
૨૦૧૫ સુધીના વ્યવહારો પર નજર
ઓગષ્ટમાં કુરિયર બોય તથા તેની પત્નીની ધરપકડ બાદ તેઓને છોડી દેવામાં આવ્યા હતા. જેની પર નજર રખાઈ હતી. જેના આધારે બાકીના સ્થળોએ રેડ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન હાથ લાગેલી વિગતોને આધારે વર્ષ ૨૦૧૫થી ચાલ્યા આવતા શંકાસ્પદ વ્યવહારો ચકાસાઈ રહ્યા છે. જેના આધારે પણ કાર્યવાહી થાય તેવી સંભાવના છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter