સુરતઃ શહેરમાં અભૂતપૂર્વ રોડ શો બાદ સર્કિટ હાઉસમાં દક્ષિણ ગુજરાતના ભાજપના અગ્રણીઓ સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બેઠક કરી હતી. આ બેઠકમાં તેમણે ભારત સરકારની વિવિધ યોજનાઓને લોકો સુધી પહોંચાડવા દક્ષિણ ગુજરાતના ૭૦ અગ્રણીઓને તાકીદ કરી હતી. તો સાથોસાથ આગામી મહિનાઓમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં ઓવર કોન્ફિડન્સમાં નહીં રહેવાની પણ તેમણે ટકોર કરી હતી.
ગુજરાત વિધાસનભાની મુદત આગામી ડિસેમ્બર માસમાં પૂરી થઇ રહી છે. વિધાનસભા ચૂંટણીને આડે સત્તાવાર રીતે સાત મહિના બાકી છે. રવિવારે ઐતિહાસિક રોડ-શો બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સર્કિટ હાઉસ પહોંચ્યા હતા. જ્યાં તેમણે મુખ્ય પ્રધાન વિજય રૂપાણી તથા નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલની હાજરીમાં દક્ષિણ ગુજરાતના ધારાસભ્યો, સાંસદો, વિવિધ શહેર અને જિલ્લાના પ્રમુખો, મહામંત્રીઓની બેઠક યોજી હતી. રોડ-શોને મળેલા પ્રચંડ પ્રતિસાદથી વડા ખુશખુશાલ મૂડમાં હતા. દક્ષિણ ગુજરાતના ૭૦ અગ્રણીઓ સાથેની ૩૦ મિનિટની બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં તૈયારી લાગી જવા ઇશારો કર્યો હતો. ભાજપના અગ્રણીઓને તેમણે તાકીદ કરી હતી કે બુથ લેવલે મહેનત કરજો. ચૂંટણી એ ચૂંટણી છે. ચૂંટણીમાં ઓવર કોન્ફિડન્સમાં રહેતા નહીં.
આ બેઠકમાં મોદીએ તમામના ખબરઅંતર પૂછ્યા હતા. તો સાથોસાથ ભારત સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે લોકોમાં શું પ્રતિસાદ છે? કેન્દ્ર સરકારની યોજનાઓ અંગે લોકોમાં કેવી ચર્ચા છે? લોકો આ યોજનાઓ અંગે જાગૃત છે કે કેમ? તે બાબતો અંગે વડા પ્રધાને ભાજપના અગ્રણીઓનો મત લીધો હતો. કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ લોકો સુધી લઈ જવા તેમણે ભાજપના ધારાસભ્યો અને સાંસદોને સુચના આપી હોવાનું મનાય છે.