નવસારીઃ ઐતિહાસિક દાંડી હેરિટેજ રૂટ ઉપર આગળ ધપી રહેલી દાંડીકૂચના યાત્રીઓ રવિવારે ચોખડ ગામે પહોંચ્યા હતા. આ સમયે નવસારી જિલ્લામાં પૂ. ગાંધી બાપુની દાંડીકૂચ યાત્રા એકમાત્ર સાક્ષી એવા ચોખડ ગામના ખેડૂત ૯૮ વર્ષના ફકીરભાઈ લખાભાઈ આહિર ઉપસ્થિત રહ્યા હતા.
ફકીરદાદાએ પૂ. ગાંધીબાપૂની દાંડીકૂચ યાત્રાની યાદો તાજી કરતા જણાવ્યું કે, ૧૯૩૦ની ગાંધીજી દાંડીકૂચ ચોખડ ગામે આવી ત્યાં સુધીમાં તો લોકોમાં દેશભક્તિનો જુવાળ ફેલાઇ ગયો હતો. આ સમયે પોતે ૭ વર્ષના હતા અને પોતાના હાથે ગાંધીજીને બકરીનું દૂધ પીવડાવ્યું હતું. બાપુની દાંડીયાત્રાને આવકારવા ઉમટેલા ચોખડ ગામના લોકોએ ગાંધીબાપુ અને તેમના ૮૧ સૈનિકોને દૂધ પીવડાવ્યું હતું. ફકીરભાઈ દાંડીયાત્રાનાં સાક્ષી હોવાની વાત જાણી હાલની દાંડીયાત્રાના આગેવાન મનિષભાઈ, ચોખડના સરપંચ મનિષાબેન આહિર અને વહીવટી તંત્રએ તેમનું શાલ ઓઢાડી, સુતરની આંટી પહેરાવી સન્માન કર્યું હતું.
ઐતિહાસિક દાંડીયાત્રાના સંસ્મરણો તાજા કરીને ફકીરભાઈ પણ દાંડીયાત્રાઓ સાથે ગામના છેવાડા સુધી ચાલતા જતા દાંડીયાત્રિકોમાં નવો જોશ-આનંદ-ઉમંગ જોવા મળ્યા હતા. ફકીરભાઈ સાત સંતાનોના પિતા છે અને ખેતી-પશુપાલન કરીને પરિવાર સાથે જીવનનિર્વાહ ચલાવી રહ્યા છે. તેઓ પ્રસંગોપાત પરિવારના સભ્યો સાથે દાંડીકૂચ યાત્રાના સસ્મરણો વાગોળતા રહે છે.