વલસાડ: નવરાત્રિ આવતાં યંગસ્ટર્સ સહિત તમામ ગરબાપ્રેમીઓ ગરબે ઘૂમવા થનગની રહ્યા છે. બાળકોથી માંડીને વડીલો પણ ક્લાસિસમાં અવનવા સ્ટેપ્સ શીખી રહ્યા છે ત્યારે વલસાડમાં માત્ર ૬ વર્ષની બાળકી વૃંદાના ૬થી ૧૦૮ સ્ટેપના દોઢિયા બધાને દંગ કરે છે. બે વર્ષથી દોઢીયા શીખી રહેલી બાળકી ચાલુ વર્ષે ક્લાસમાં આસિસ્ટન્ટ તરીકે કામ કરે છે.
વૃંદા રાઠોડ વલસાડના અતિ મધ્યમ પરિવારની દીકરી છે. તે સિનિયર કે.જી.માં ભણે છે. આટલી નાની વયની કોઈ છોકરી ગરબા શીખવા જાય તે ઠીક પણ બાળકી બે વર્ષથી ગરબા દોઢિયા શીખે છે અને હવે આ વર્ષથી અન્યોને ગરબા શીખવાડી રહી છે.
છૂટક ડ્રાઈવિંગ કરીને ગુજરાન ચલાવતા હિતેશ અને દર્શના રાઠોડની પુત્રી વૃંદાનું કોઈ ખાસ ડાન્સ બેકગ્રાઉન્ડ નથી. માતા-પિતાએ પુત્રીને શોખ ખાતર ૪ વર્ષની વયે ગરબા ક્લાસમાં મૂકી હતી. ક્લાસમાં થોડા જ સમયમાં વૃંદા ગરબાના કેટલાય સ્ટેપ્સ શીખી ગઈ હતી. ગત વર્ષે નવરાત્રિમાં તે હોમ થિયેટરની વિજેતા પણ બની હતી. બે વર્ષમાં તે ગરબામાં એટલી માસ્ટરી ધરાવે છે કે જ્યાં ગરબા શીખવા જતી ત્યાં ચાલુ વર્ષે આસિસ્ટન્ટ તરીકે છે. તેના સિનિયર ધર્મેશે કહ્યું કે, ૧૦૮ સ્ટેપ્સ સુધીના દોઢીયા વૃંદાને યાદ છે. ક્લાસમાં કોઈપણ યુવાન-યુવતી સ્ટેપ ભૂલે ત્યારે વૃંદા તેને યાદ અપાવી શીખવે છે. ઉપરાંત જમ્પ સાથેના દોઢિયા પણ તે ખૂબ જ સહજતાથી કરી લે છે.
૨૦થી વધુ ટ્રોફી
૪ વર્ષની ઉંમરથી વંૃદા ડાન્સ કરે છે. સ્કૂલમાં કે ઓપન કોમ્પિટીશનમાં તે ચાર વર્ષની વયથી ભાગ લે છે અને તેમાં વિજેતા પણ બને છે. બે વર્ષના સમયમાં વૃંદાએ જિલ્લાભરમાં વિવિધ સ્પર્ધાઓમાં ૨૦થી વધુ ટ્રોફી જીતી છે.