વાપીઃ લોકડાઉન વચ્ચે પ્રેમિકાને મળવા અધીરો બનેલા એક યુવાનનું ફારસ બહાર આવ્યું છે. વાપીમાં યુવાન મધરાતે કર્ફ્યૂ ભંગ કરીને પ્રેમિકાને મળવા જતાં પોલીસે કાર્યવાહી કરી હતી. રવિવારે રાત્રે પારડીના ભેંસલાપાડામાં મોપેડ પર છોકરી કયાં નીકળી? તેની પૂછપરછ કરતાં મોપેડ સવારનો અવાજ પુરુષનો જણાયો. પોલીસે વધુ તપાસ કરી તો તે યુવાન નીકળ્યો. યુવાને પોતાની ઓળખ ચિરાગ હેમંતકુમાર સાલુન્કે (ઉ. વ. ૧૯, રહે. મોતીવાડા, પારડી) તરીકે આપી. ચિરાગ છોકરીનો વેશ ધારણ કરી પ્રેમિકાને મળવા જતો હોવાનું બહાર આવ્યું હતું. યુવાનની આ પ્રકારની હરકતને લઇ પોલીસ પણ ચોંકી ગઇ હતી. બાદમાં પોલીસે લોકડાઉન અને જાહેરનામાનો ભંગ કરવા બદલ યુવાન સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.