સુરતઃ સચિનના અજંટા નગરમાં રહેતા દિપાલીબહેન અતુલભાઈ દેસાઈ સચિનના સ્ટેશન રોડની બેંકના લોકરમાંથી રૂ. ૨૦ લાખની રૂ. ૫૦૦-૧૦૦૦ની નોટો લઈને નીકળ્યા હતા. દરમિયાન બાઈક પર આવેલા ત્રણ માણસો રોકડ ભરેલો થેલો આંચકીને નાસી છૂટ્યા હતા. લૂંટની ઘટના બાદ દિપાલીબહેને પોલીસમાં ફરિયાદ કરી. દિપાલીબહેને ફરિયાદ રૂ. ૨૦ લાખની લૂંટની કરી હતી અને પોલીસ પૂછપરછમાં રકમ રૂ. ૧૦ લાખ જણાવી હતી. એ પછી ફરીથી પોલીસે પૂછતાં દિપાલીબહેન રૂ. ૮ લાખની લૂંટની વાત કરતા પોલીસને દિપાલીબહેન પર જ શંકા ગઈ.
એ પછી પોલીસે કડકાઈથી દિપાલીબહેનની પૂછપરછ કરતાં તે ભાંગી પડ્યા અને જણાવ્યું કે જમીન લેવેચ માટેની રૂ. ૨૦ લાખની રકમ પતિએ લોકરમાં મૂકવા આપી હતી જે તેમણે પુત્રી સાથે મળીને પતિની જાણ બહાર ખર્ચ કરી નાંખી હતી. નોટબંધીની જાહેરાત પછી અતુલભાઈએ રૂ. ૫૦૦-૧૦૦૦ની નોટો લોકરમાંથી કાઢીને બેંક એકાઉન્ટમાં જમા કરાવવાનું કહેતાં દિપાલી મૂંઝવણમાં મુકાયા અને લૂંટનું તરકટ રચી કાઢ્યું હતું.