સુરતઃ જાહેર માર્ગ પર જાન કે વરઘોડો નીકળે ત્યારે ટ્રાફિક રોકાઈ જાય છે. ઘણીવાર વાહનોની લાંબી કતાર લાગે છે. આથી હંમેશા કંઇક નવું સામાજિક કાર્ય કરવા માટે જાણીતા સુરતના પાટીદાર સમાજે તેને રોકવા નવી યુક્તિ અપનાવી છે. સમાજ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે જે પરિવાર લગ્નમાં જાન કે વરઘોડો નહીં કાઢે તેમના નવદંપતીને સોમનાથની હવાઈ મુસાફરી કરાવાશે અને તેમનું સન્માન પણ કરાશે. ગત સપ્તાહે આવા ૩૨૫ દંપતી નોંધાયા હતા. આ દંપતીઓનું જાહેરમાં સન્માન પણ કરાયું હતું. આ ઉપરાંત લકી ડ્રોથી પસંદ થયેલા ચાર નવદંપતીઓને ચાર્ટર્ડ પ્લેનથી સોમનાથ જ્યોતિર્લીંગનાં દર્શનાર્થે લઈ જવાશે. સમાજ દ્વારા આ અભિયાન ઘણા વર્ષોથી ચાલે છે. તેમાં દર વર્ષે ઘણાં સંગઠનો જોડાય છે અને અનેક લોકોને વરઘોડો ન કાઢવા માટે પ્રેરિત કર્યા હતા. કન્યાના ઘરના દરવાજે તમામ વિધિ કરવામાં આવે છે અને ત્યાં બેન્ડવાજાં વાગે છે, લોકો ડાન્સ કરે છે તથા ફટાકડા ફોડે છે.
સુરતમાં રૂ. ૭૦ કરોડના ખર્ચે નિર્મિત પૂલનું લોકાર્પણઃ સુરતમાં તાપી નદી ઉપર ચોક અને અડાજણને જોડતાં ૧૩૬ વર્ષ પહેલાં બંધાયેલાં ઐતિહાસિક હોપ પૂલના બદલે રૂ. ૭૦ કરડોના ખર્ચે તૈયાર થયેલા પૂલનું રાજ્યના નાણા પ્રધાન અને સુરતના પ્રભારી સૌરભ પટેલે ચોથી માર્ચે ઉદ્ધાટન કર્યું હતું. આ પ્રસંગે સુરતના મેયર નિરંજન ઝાઝમેરાએ કહ્યું હતું કે, હોપ પૂલને બદલે નવનિર્મિત બ્રિજના નિર્માણમાં લોકોને ફરવા, બેસવા, ચાલવાની સુવિધા ઉપલબ્ધ કરાવી છે. તેમજ આ ઐતિહાસિક હોપ પૂલની હેરીટજ તરીકે જાળવણી કરવામાં આવી છે.