વાપીઃ ઉમરગામ તાલુકાના સંજાણમાં પારસીઓના ભવ્ય ઈતિહાસની ધરોહર સમા કીર્તિસ્તંભની સ્થાપનાના ૧૦૦ વર્ષ પૂર્ણ થતાં ૧૬મીએ સુવર્ણજયંતિ નિમિત્તે સંજાણ ડેની દબદબાભેર ઊજવણી કરાઈ હતી. કીર્તિસ્તંભની ૧૯૧૭માં સ્થાપના કરાઈ હતી. સમાજના વડાદસ્તુરની ઉપસ્થિતિમાં સમાજના પારસીઓએ આતાશબહેરામ (અગ્નિ)ની શ્રદ્ધાપૂર્વક પૂજા-અર્ચના કરી હતી. પારસી આગેવાનોએ સરકારની જીયો યોજના અંતર્ગત છેલ્લા બે વર્ષમાં ૧૨૦થી વધુ બાળકોનો જન્મ થયો હોવાનું જણાવી વસ્તીવધારા માટે વધુ પ્રયાસ થઈ રહ્યા હોવાનું જણાવ્યું હતું. સરકાર દ્વારા પારસીઓની વસ્તીમાં વધારો થાય તે માટે જીયો યોજના બનાવાઈ હતી. આમ છતાં પારસી સમાજની માત્ર ૫૭ હજાર વસ્તી અંગે ચિંતા કરાઈ હતી. વસ્તીવધારા માટે સરકાર અને સમાજ દ્વારા અનેક પ્રયાસો હજી થઈ રહ્યાનું આ કાર્યક્રમમાં જણાવાયું હતું. સંજાણ ડેની ઊજવણી કાર્યક્રમમાં ગુજરાત, મહારાષ્ટ્ર સહિતના વિસ્તારોમાંથી પારસીઓ ઊમટી પડ્યા હતા. સમાજના અગ્રણીઓએ આ કાર્યક્રમમાં પારસીઓના સંજાણ બંદરે આગમન થયા બાદ જાદીરાણાએ સમાજના લોકોએ આપેલા આસરાની યાદોને જીવંત કરી હતી.