સેલવાસઃ દાદરા અને નગર હવેલીમાં એક એવું ગામ આવેલું છે જ્યાંના બાળકોને અભ્યાસ કરવા માટે જીવનું જોખમ માથે લઈને સ્કૂલે જવું પડે છે. સ્થાનિકોના કહેવા મુજબ આવું થવા પાછળ અહીંનું પ્રસાશન અને પણ અહીંનું ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ જવાબદાર છે. નદી પર બ્રિજ બનાવવા માટેની બાબતે ઢીલના કારણે વર્ષોથી લોકો નદીના પાણીમાંથી જીવના જોખમે આવાગમન કરે છે.
વધુ પ્રમાણમાં આદિવાસી ક્ષેત્ર ધરાવતા એવા દાદરા અને નગર હવેલીમાં આવેલા ગામ નવાપાડા અને દેવીપાડા વચ્ચેથી એક નદી વહે છે. નવાપાડામાં રહેતા બાળકોને શાળાએ જવા માટે આ નદી પાર કરવી પડે છે. વર્ષ દરમિયાન તો બાળકો રમતાં રમતાં આસાનીથી નદી પાર કરીને જાય છે, પરંતુ ચોમાસું શરૂ થાય પછી નદીમાં વહેણ વધે છે. વધુ પાણીમાં ન જવું પડે તેથી બાળકો કપરાં ચઢાણ ચડવા શરૂ કરે છે. વરસાદી પાણી ભરેલી નદીમાંથી જીવના જોખમે બાળકો શિક્ષણ મેળવવા માટે નદી ઓળંગે છે. સમગ્ર બાબતે અનેકવાર રજૂઆતો કરવામાં આવી પરંતુ સ્થિતિમાં સુધારો કરાયો નથી. અહીં બ્રિજ બનાવવા માટે ઉપસરપંચ સમજીભાઈ પ્રશાસકને લેખિત રજૂઆતો કરવામાં આવી હતી. એ પછી પીડબ્લ્યુ ડી દ્વારા ત્યાં બ્રિજ બનાવવા માટેની વાતો પણ થઈ, પરંતુ મજૂરો આવે અને કામકાજ શરૂ થાય તે પહેલાં ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ સ્થળ પર આવ્યા અને બ્રિજ બનાવવાનું સ્થગિત કરાવી ગયા હતા. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે કહ્યું હતું કે, જંગલખાતાની જમીનમાં બ્રિજ બની શકે નહીં અને તે માટે પરવાની લેવાની રહે છે.
સ્થાનિકોએ આ ઘટના પછી પણ સત્તાને રજૂઆત કરી હોવાનું જણાવ્યું છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ વૃદ્ધો કે મહિલાઓની તબિયત નાદુરસ્ત બને ત્યારે તેમને ઝોળી બનાવીને ચાર વ્યક્તિઓ દ્વારા ઊંચકીને નદી પાર કરાવવાની ફરજ પડે પડે છે. વળી બીજે પાર જવા અન્ય કોઈ માર્ગ પણ નથી અને જે માર્ગ છે તેનો ઉપયોગ કરવામાં આવે તો સ્થાનિકોએ અંદાજિત ૨૫થી ૩૫ કિમીનું અંતર કાપવું પડે. તેથી જ હાલમાં તો ચોમાસું શરૂ થઈ ગયું હોવાથી બાળકોના ભવિષ્યને ધ્યાને રાખીને પ્રશાસક દ્વારા રસ લઈને અહીં બ્રિજ બનાવવામાં આવે એવી લોકોમાં પ્રબળ માગ ઉઠી રહી છે.