બીલીમોરાઃ બીલીમોરા અમલસાડ વચ્ચે આવતા દેવધા પાસે અંબિકા નદી ઉપરથી પસાર થતાં રેલવે બ્રિજ પર મુંબઇ જતી અપ લાઈનનો પાટો તૂટી ગયો હતો. આ ક્ષતિ મોટી હોવાનું ટ્રેકમેનના ધ્યાનમાં આવ્યું હતું. તે સમયે જયપુર બાંદ્રા એક્સપ્રેસ અહીંથી પસાર થવાને થોડી મિનિટોની જ વાર હતી. ટ્રેકમેને સૂઝ વાપરી અને જે દિશામાંથી ટ્રેન આવી રહી હતી તે તરફ કેસરી શર્ટ ફરકાવતાં દોડવા માંડ્યું. આશરે ૪૦૦ મીટર જેટલું દોડીને જયપુર-બાંદ્રા ટ્રેનને અટકાવી હતી. ટ્રેકમેનની સુઝથી સંભવિત દુર્ઘટના ટળી હતી અને હજારો મુસાફરોના જીવ બચી ગયા હતા. ટ્રેનને રોકાયા પછી રેલવે ટ્રેક પરની ક્ષતિને દૂર કરવા માટે તાબડતોડ રેલવે વિભાગ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી.